(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ચીખલી તાલુકાનાં છેવાડાના ગોડથલ ડુંગરી ફળીયા અને માંડવખડક ડુંગરપાડા મળી અંદાજીત 4,000 જેટલી વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારના લોકોને સરકારી કામકાજે, શાળા કોલેજના વિદ્યાર્થીઓને તેમજ નોકરી અર્થે અપડાઉન કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી બીલીમોરા-પીપલખેડ બસ આ રૂટ ઉપર કાર્યરત હતી. પરંતુ થોડા સમય અગાઉ ખરાબ રસ્તાના કારણે બસ ખાડામાં ફસી જતા આ રૂટની બસ સેવા બંધ કરવામાં આવી હતી. જેથી આ રૂટની બસ સેવા શરૂ કરવા માટે બીલીમોરા ડેપો મેનેજરને લેખિત, મૌખિક તેમજ સોશ્યલ મીડિયા અને ટેલીફોનીક રજૂઆત કરવા છતાં બસ સેવા શરૂ કરવામાં ન આવતા સરકારી તેમજ કામકાજ અર્થે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાની નોબત આવી હતી.
સ્થાનિક મોહનભાઇ દેસાઈના જણાવ્યાનુસાર બીલીમોરા-પીપલખેડ રૂટની બસ અંગે મે અવાર નવાર લેખિત, મૌખિક બીલીમોરા ડેપોમાં રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી આ બસ સેવા શરૂ કરવામાં આવી નથી.