(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: નવસારી જિલ્લા સહિત ચીખલી તાલુકામાં ડાંગર તેમજ શેરડીની કાપણી થતા ખેતર વિસ્તારમાં રહેતા દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. છેલ્લા એક સપ્તાહમાં ચીખલી તાલુકામાં રાત્રીના સમયે ત્રીજી વખત દીપડો લટાર મારતા હોવાનો વીડિયો વાયરલ થતા સ્થાનિકોમાં તેમજ ખેતરમાં રાત્રીમાં સમયે પાણી મુકવા જતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. જ્યારે રવિવારની રાત્રીના સમયે રાનકુવા શિવ દર્શન સોસાયટી ખાતે રહેતા અરવિંદભાઈ રામુભાઈ હળપતિના ઘર પાસે દીપડો આંટાફેરા મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ બાબતની જાણ ચીખલી વન વિભાગને કરાતા આરએફઓ આકાશભાઈ પડશાલા સહિતની ટીમે સ્થળ ઉપર જઈ જરૂરી સર્વે કરી પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.
