(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડના કોસંબા ગામે સોમવારે રાત્રે એક મોબાઈલની બંધ દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટનાને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ભાગ-દોડ સાથે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
કોસંબા ગામે ગ્રામ પંચાયતની સામે આવેલ ન્યુ એસ.કે. મોબાઈલ રિપેરીંગ નામની બંધ દુકાનમાં રાત્રે આગ લાગી હતી. આગના વિકરાળ સ્વરૂપને લઈ દુકાનમાં રાખેલ રિપેરીંગના મોબાઈલ સહિત નવા મોબાઈલ અને સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતા સ્થાનિક રહીશો દુકાન પાસે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ બુઝાવાના પ્રયત્નો કર્યા હતા. અંતે આગ બુઝાઈ ગઈ પણ આગમાં દુકાન ભસ્મીભૂત થઈ ચૂકી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. પરંતુ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવાપામેલ નથી. આગની જાણ બાદ પોલીસ આવી પહોંચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
