ચોમાસામાં અડધા દિવસો આ કોઝ-વે પુરના પાણીમાં ગરકાવ રહેતો હોવાથી હાથીનગર નાની ખાડી ફળિયાના લોકો સંપર્ક વિહોણા થતાં વિદ્યાર્થીઓના શિક્ષણ તથા લોકોના ધંધા-રોજગાર બગાડવા સાથે અનેક મુશ્કેલીઓનો વર્ષોથી સામનો કરી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.22: તાલુકાનું દોણજા ગામ કે જે વાંસદા તાલુકાને અડીને આવેલ છે. આ ગામમાંથી પસાર થતી કાવેરી નદી પર દોણજા ગામના હાથીનગર અને નાની ખાડી ઉપરાંત સાદડવેલના સોનારીયા તથા વાંસદા તાલુકાના વાંદરવેલા વિસ્તારને જોડતા માર્ગ ઉપર હાથીનગર પાસેનો વર્ષો જૂનો લો – લેવલ કોઝ-વે ચોમાસાના સામાન્ય વરસાદમાં પણ ગરકાઉ થઈ જતો હોય છે અને ચોમાસાના અડધા દિવસો તો આ ડુબાઉ કોઝ-વે પુરના પાણીમાં અદ્રશ્ય જ રહેતો હોય છે.
આ પ્રકારની સ્થિતિમાં હાથીનગર અને નાનીખાડી ફળીયાના લોકો દોણજા અનેઆજુબાજુના વિસ્તારથી સંપર્ક વિહોણા થતા હોય છે. આ બન્ને ફળિયાનો લોકો ગામથી વિખુટા પડતા કફોડી સ્થિતિમાં મુકાતા હોય છે. દોણજા ગામમાં પ્રાથમિક શાળા, દૂધ મંડળી, પોષ્ટ ઓફીસ સહિતની સુવિધા હોય ખાસ કરીને હાથીનગર ફળીયાના વિદ્યાર્થીઓ ચોમાસાના અડધા દિવસો શાળાએ ન પહોંચી શકતા શિક્ષણ બગડતું હોય છે. ઉપરાંત આ બન્ને ફળીયાના લોકોએ દૂધ ભરવા માટે પણ દોણજા ગામમાં જ આવતું પડતું હોય તેવામાં ચોમાસા દરમ્યાન આર્થિક નુકસાન પણ વેઠવું પડતું હોય છે અને લોકો પોતાના ધંધા રોજગાર અર્થે પણ જઈ શકતા નથી.
આઝાદીના વર્ષો બાદ આજે ગતિશીલ ગુજરાતમાં પણ દોણજા ગામના હાથીનગર અને નાની ખાડી ફળિયાના લોકો સમસ્યામાંથી બહાર આવી શકયા નથી અને ચોમાસુ આવતાની સાથે જ આ વિસ્તારના લોકો પર આફતના વાદળ ઘેરાઈ જતા હોય છે હવે સ્થાનિકો સાંસદ ધવલભાઈ પર મોટી આશા રાખી રહ્યા છે ત્યારે તેઓ પણ દોણજા ગામની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે તત્પરતા દાખવશે કે કેમ તે જોવું રહ્યું.
સાંસદ ધવલભાઈ પટેલ ઉપર સ્થાનિકોને આશાની મીટ મંડાઈ રહી છે
દોણજા ગામે નાની ખાડી ઉપર 1.90 કરોડ રૂપિયાના ખર્ચે ચાલુ વર્ષે નવા પુલનું નિર્માણ થશે પરંતુ કાવેરી નદી પર નવો પુલ નબને ત્યાં સુધી આ વિસ્તારના લોકોની સમસ્યાનો ઉકેલ આવશે નહિ માર્ગ મકાન પંચાયતના વાંસદા સબ ડિવિઝન દ્વારા આ માટે 10-કરોડ રૂપિયાની દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. ત્યારે આ દરખાસ્ત અભરાઈએ ન ચઢી જાય અને ઝડપથી મંજૂરી મળે તેની તકેદારી સાંસદ ધવલભાઈ ધારાસભ્ય અનંતભાઈ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રાખવામાં આવે તે જરૂરી છે.
ગામના પૂર્વ સરપંચ પ્રવીણભાઈ પટેલના જણાવ્યાનુસાર દોણજા ગામે કાવેરી નદી પરના ડુબાઉ કોઝ-વે ચોમાસામાં અવાર નવાર ડૂબી જતા હાથીનગર અને નાની ખાડી ફળિયાના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે ઝડપથી નવા પુલનું નિર્માણ થાય તે માટે અમારા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અવાર નવાર રજૂઆત કરવામાં આવી રહી છે.
એપીએમસીના ડિરેકટર હરિકળષ્ણભાઈ પટેલના જણાવ્યાનુસાર દોણજા ગામે કાવેરી નદી પરના લો-લેવલ કોઝ-વે ચોમાસાના મહત્તમ દિવસો ડૂબેલો રહેતો હોય હાથીનગર અને નાની ખાડી ફળીયું વિખૂટું પડી જતું હોય છે. જેથી તંત્ર દ્વારા નવા પુલના બાંધકામ માટે પ્રાથમિકતા આપવામાં આવે તેવી અમારા વિસ્તારના લોકોમાં લાગણી પ્રવર્તી રહી છે.