કેન્દ્રના સંરક્ષણ અને પ્રવાસન રાજ્ય મંત્રી અજય ભટ્ટ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લક્ષદ્વિપના પ્રવાસન વિકાસ અંગે મહત્વની ચર્ચા-વિચારણા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવારતી, તા.31
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વિપ પણ વિકાસથી વંચિત નહીં રહી જાય અને આ પ્રદેશનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે હંમેશા નિયમિત રીતે મુલાકાતો લેતા રહે છે. શનિવારે પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણથી લક્ષદ્વિપની ઉડાન ભરી હતી.
લક્ષદ્વિપના કવારતી ખાતે પ્રદેશના વિકાસ માટે અધિકારીઓ પાસેથી જરૂરી જાણકારી મેળવી હતી અને વિવિધ કામોની સમીક્ષા પણ કરી હતી.
દરમિયાન લક્ષદ્વિપના કવારતી ખાતે પધારેલા કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ અને પ્રવાસન મંત્રી શ્રી અજય ભટ્ટ સાથે પ્રદેશના પ્રવાસન વિકાસ અને સંરક્ષણ દૃષ્ટિએ પ્રદેશના વ્યૂહાત્મક મહત્વ વિશે ઉપયોગી ચર્ચા-વિચારણા પણ કરી હતી.
સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકાર દ્વારા લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. જેની કડીમાં અવરોધતાપરિબળો સામે પણ પ્રશાસને બાથ ભીડવાની શરૂઆત કરી છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વર્ષોથી ઉપેક્ષિત રહેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવની શરૂ કરેલી કાયાપલટ બાદ હવે લક્ષદ્વિપના વિકાસને પણ ચાર ચાંદ લગાવવાના પ્રયાસો તેજ કર્યા છે.