(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના રખોલી ગામ ખાતે રહેતા મુસ્લિમ પરિવારનો 10 વર્ષનો બાળક શાળામાં જવા નીકળેલ પણ શાળામાં નહીં પહોંચતા એના વાલીએ એમનું બાળક ગુમ થયું હોવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જુબેર આલમ (ઉ.વ.38) રહેવાસી-ઉંગનપાડા, રખોલી. જેઓના ત્રણ બાળકો છે જેમાં એક દીકરી અને બે દીકરાઓ છે. એમનો નાનો દીકરો અસરફ જુબેર આલમ (ઉ.વ.10) જે ગત 21મી નવેમ્બરના ગુરૂવારે એમના માતા-પિતા નોકરી પર જવા નીકળી ગયા બાદ શાળાએ જવા નીકળ્યો હતો. આ ત્રણે બાળકો રખોલી અંગ્રેજી માધ્યમની સરકારી શાળામાં ભણે છે. પરંતુ શાળામાંઅશરફ નહીં દેખાતા એની બહેને શાળાની આજુબાજુ તેમજ એમના ઘરની આજુબાજુ તપાસ કરવા છતાં નહીં મળી આવતાં તેણીએ એના પિતાને ફોન કરી જણાવેલ કે અશરફ ઘરે આવ્યો નથી અને આજુબાજુ તેમજ શાળામાં પણ શોધ કરી પણ મળી આવેલ નથી. જેથી જુબેર અને એની પત્ની કંપનીમાંથી રજા લઈ ઘરે આવ્યા હતા અને આજુબાજુ તેમજ સેલવાસ અને વાપી સુધી શોધખોળ કરી હતી પણ ક્યાંક ભાળી મળી ન હતી.
મળતી માહિતી પ્રમાણે આ અશરફ અગાઉ 09 નવેમ્બરના રોજ પણ ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના નીકળી ગયો હતો. તેને વાપી પોલીસે શોધી અને પૂછપરછ બાદ દાદરા નગર હવેલીના સાયલી પોલીસને સોંપવામાં આવ્યો હતો અતે ત્યારબાદ સાયલી પોલીસે એમના વાલીને બોલાવી એમના બાળકને સોંપવામાં આવ્યો હતો. પરંતુ હવે ફરીથી ક્યાંક ગુમ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. ફરિયાદન આધારે સાયલી પોલીસે અપહરણનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
