કંપની દ્વારા જ્વલનશીલ ગણાતા જૂના ખરાબ થયેલા ટાયરોનું રિસાયકલીંગ કરી રબરના ટૂકડા, ચિપ્સ અને ગ્રેન્યુઅલ્સ બનાવવામાં આવતા હતાઃ ફાયર સેફટીની બાબતમાં કેવી તકેદારી લીધી હતી તે તપાસનો વિષય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના સુરંગી ગામ ખાતે આવેલ જૂના ખરાબ થયેલા ટાયરોનું રિસાયકલીંગ કરતી કંપનીમાં શનિવારની મોડી રાત્રિએ કોઈક કારણોસર અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈહતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરંગી ગામ સ્થિત ઓઇસ્ટર ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની જેમાં જૂના ખરાબ થયેલા ટાયરોનું રિસાયકલીંગ કરી રબરના ટૂકડા, ચિપ્સ અને ગ્રેન્યુઅલ્સ બનાવવામાં આવે છે. શનિવારની મોડી રાત્રે કંપનીના એક ખુણામાં કોઈક કારણોસર અચાનક આગ પકડી લીધી હતી જેને કંપનીના કર્મચારીઓએ ફાયર ઇક્વિપમેન્ટ દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પણ આગ કાબુમાં આવી નહીં હતી, અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીમાં કામ કરી રહેલા 20થી વધુ કર્મચારીઓને સલામત રીતે તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.
દરમિયાન ફાયર વિભાગને ફોન કરતા ખાનવેલ અને સેલવાસ ફાયરની ટીમ પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ ઔર વધુ જ્વલંત બનાવના કારણે રિલાયન્સ, આલોક, વાપી જીઆઇડીસી અને દમણથી 10થી વધુ ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી અને આગને કાબુમાં લેવાનો ભારે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી, પરંતુ આખી કંપની બળીને ખાખ થઈ જતાં કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ મળી શક્યો નથી અનેકંપની દ્વારા વીમાનું કવચ લેવાયું છે કે નહીં તેની પણ જાણકારી મળી નથી.
—–