દાનહ જિલ્લા કલેક્ટર પ્રિયાંક કિશોર અને ઉપ કલેક્ટર અમિત કુમારની પણ રહેલી ઉપસ્થિતિ
દાનહ જિ.પં.ના પૂર્વ અધ્યક્ષ નિશા ભવર અને ખાનવેલના સરપંચ મારિયાભાઈ વિલાતના હસ્તે 25 નવજાત શિશુઓની માતાઓને કિટનું કરાયેલું વિતરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, દાદરા નગર હવેલી જિલ્લાના ખાનવેલ ગ્રામ પંચાયતના ઉમરવરણી, ખુટલી, ખાનવેલ, ચૌડા અનેતલાવલી ખાતે આજે સંઘપ્રદેશના નાણા સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દાનહ જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર અને ઉપ કલેક્ટર શ્રી અમિત કુમારની ઉપસ્થિતિમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ એક ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ લગ્ન મુક્ત ભારતની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
ખાનવેલ ગ્રામ પંચાયતની સામાન્ય જનતા માટે આયોજીત ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિરમાં 16 જુદા જુદા વિભાગોએ સેવા આપી હતી. જેમાં મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત ખાનવેલ, ગેસ કનેક્શન, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પેન્શન યોજના, મનરેગા, ડે-એનઆરએલએમ, કૃષિ વિભાગ, શિક્ષણ વિભાગ, ટોરેન્ટ પાવર, સમાજ કલ્યાણ વિભાગ, આરોગ્ય વિભાગ, જમીન સંપાદન વિભાગ, આધાર સેવા કેન્દ્ર, બેંક, ઇ-સ્ટેમ્પ, આર.ટી.ઓ., ચૂંટણી વિભાગ, જમીન સંપાદન વિભાગ અને રેડ ક્રોસ વગેરેએ સ્ટોલ ઉભા કર્યા હતા અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ આપવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.
આ શિબિરમાં સંઘપ્રદેશના નાણા સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દાનહ જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર અને ઉપ કલેક્ટર શ્રી અમિત કુમારની ઉપસ્થિતિમાં દાનહ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી નિશા ભંવર અને ખાનવેલના સરપંચ શ્રી મારિયાભાઈ વિલાતના હસ્તે 25નવજાત શિશુઓની માતાઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે આયોજીત શિબિરમાં 02 નવા લાભાર્થીઓને વીજ જોડાણો આપવામાં આવ્યા હતા અને ઘણાં નવા મકાનોની નોંધણી પણ કરવામાં આવી હતી. સમગ્ર શિબિરમાં કુલ 1178 જેટલા લાભાર્થીઓએ અરજી કરી હતી, જેમાંથી મોટાભાગની અરજીઓનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.