બે વર્ષથી કોરોના કાળ ઉદ્યોગોને ભરખી રહ્યો છે અને હવે બે દેશો વચ્ચે મહાયુદ્ધથી ફરી એકવાર ઉદ્યોગ જગતની માયાનગરી પર મંડરાયેલી આફત
(તસવીર અહેવાલઃ દીપક સોલંકી દ્વારા) (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.04
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 9 દિવસથી ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં બન્ને દેશોમાં અનેક ઔદ્યોગિક કંપનીઓને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. જો બન્ને દેશો વચ્ચે યુદ્ધ વધુ લાંબુ ચાલે તો ઔદ્યોગિક કંપની માટે મોટું નુકસાન સાથે અનેક દેશોમાં આયાત થતું કેમિકલ રો મટીરીયલ પર મોટી બ્રેક લાગે તેવા સંકેત મળી રહ્યા છે. જો યુદ્ધ વધુ લંબાઈ તો ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી અનેક કેમિકલ કંપની ઉપર પણ ઘેરા સંકટના વાદળો મંડરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે ચીખલી તાલુકાના ઔદ્યોગિક કારોબાર સાથે સંકળાયેલા અગ્રણીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જ્યારે ચીખલી તાલુકાના ઔદ્યોગિક કંપનીના એક અગ્રણી દ્વારા જણાવ્યું છે કે યુક્રેન અને રશિયા તરફથી આવતું રો-મટેરિયલ ફિનોલ અને મિથેનોલ જેવા કેમિકલના સપ્લાઈની ખોટ વર્તાઈ રહી છે. આ યુદ્ધના કારણે અનેક હવાઈ અનેદરિયાઈ માર્ગો દ્વારા થતાં એક્સપોર્ટની પ્રક્રિયા પણ પ્રભાવિત થવા પામી છે. જેની સીધી અસર ચીખલી તાલુકા તથા બીલીમોરા, ગણદેવી વિસ્તારના ઉદ્યોગ જગત પર પડી રહી છે.