સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી, ખોટી ધારણાઓ છોડી સ્માર્ટ મીટર લગાવડાવો – મંત્રી કનુભાઇ દેસાઇ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૧: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં તેમના વાપી સ્થિત નિવાસસ્થાનથી તેમના ધર્મપત્નીના હસ્તે કુમકુમ તિલક કરી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોશિયેશન ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર અંતર્ગતના ‘સ્માર્ટ મીટર, સ્માર્ટ શરૂઆત’ કાર્યક્રમમાં સ્માર્ટ મીટરને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી.
મંત્રીશ્રીએ સ્માર્ટ મીટર ઈન્ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરતા કહ્યું હતું કે, સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે. દરેકે દેશના વિકાસમાં ફાળો આપવા સ્માર્ટ મીટર લગાવવા જોઈએ. સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી. આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગે ડે ટુ ડે માહિતી મળી જશે. સ્માર્ટ મીટર લગાવવાથી અનેક ફાયદાઓ થશે. આ મીટરથી વધુ બીલ આવતું નથી પરંતુ વીજ વપરાશની સચોટ માહિતી મળશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના ‘વન નેશન, વન ગ્રીડ’ ના કોન્સેપ્ટથી સમગ્ર દેશાને સરખો વીજ પુરવઠો પહોચાડવાનું કાર્ય કરી રહ્યા છે. તેમની દીર્ઘદ્રષ્ટિથી જ એશિયામાં સૌ પ્રથમ ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગની રચના કરવામાં આવી હતી. સમગ્ર ભારત ભવિષ્યમાં ૫૦% ઊર્જા રિન્યુએબલ હશે.
કાર્યક્રમમાં અમાર્ટ મીટર અંગેનો ડેમો બતાવવામાં આવ્યો હતો તેમજ સ્માર્ટ મીટર શું છે, સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે, સ્માર્ટ મીટરના ફાયદાઓ, સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા, ગ્રાહક સુવિધા કેન્દ્ર, સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓ અને મોબાઈલ એપ્લિકેશનમાં સ્માર્ટ મીટર વપરાશની સચોટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ, ડીજીવીસીએલ મેનેજિંગ ડાયરેક્ટર યોગેશે ચૌધરી,જેટકોના મેનેજીંગ ડાયરેક્ટર ઉપેંદ્ર પાંડે, ડીજીવીસીએલના આધિકારી-કર્માચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઊપસ્થિત રહ્યા હતા