(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.28: બાળકોની કવિતા અને રમુજી ટુચકા લખી બાળ કવિ તરીકે ખ્યાતનામ બનેલા ધનસુખલાલ પારેખનું 91 વર્ષની જૈફ વયે ટુંકી માંદગી બાદ નિધન થયું છે. જેમના નિધન સાથે તેઓ વલસાડસાહિત્ય જગતમાં એક ખાલીપો છોડતા ગયા છે. તેમણે બાળ કવિતા ઉપરાંત હાઈકુના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. તેમણે 90 વર્ષની વયે પણ હાઈકુનું એક પુસ્તક પ્રકાશિત કરી ગુજરાતી સાહિત્યમાં પોતાનો અમુલ્ય ફાળો આપ્યો હતો. જે બદલ વલસાડમાં ઉજવાયેલા રાજ્ય કક્ષાના 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમનું સન્માન પણ થયું હતુ.
વલસાડમાં જ જન્મેલા અને ઉછરેલા બાળ કવિ ધનસુખલાખ પારેખ વ્યવસાયે સોની હતા, પરંતુ તેમનો કવિતા લખવાના શોખે તેમને કવિ બનાવી દીધા હતા. બાળપણથી જ તેમને વાંચનનો અને કવિતા લખવાનો શોખ જન્મો હતો. જેને તેમણે જીવનના આખરી સમય સુધી જાળવી રાખ્યો હતો. તેમણે 90 વર્ષની જૈફ વયે પણ હાઇકુના સંગ્રહનું પુસ્તક ‘‘આંખોમાં ઉભરાયા મીઠા સમણા” પ્રકાશિત કર્યું હતુ. હાઈકુ લખનારા ગુજરાત જુજ કવિમાં તેમની ગણના થતી હતી.
વલસાડના કવિ ધનસુખલાલ પારેખે બાળ કાવ્યસંગ્રહના 16 પુસ્તકો બહાર પડ્યા છે. તેમણે હાઇકુ સંગ્રહ તરીકે ઝાકળભીનો ઉજાસ, અયોધ્યાથી અરણ્ય અને લીલાંછમ પાંદડે ઝૂલે ઝાકળ નામના પુસ્તકો પ્રકાશિત કર્યા છે. આજનો યુવા વર્ગ ભલે ગુજરાતી સાહિત્યમાં જોઇએ એટલો રસ નથી દાખવતો, પરંતુ ધનસુખલાલ પારેખ જેવા કવિઓજીવનના અંત સુધી ગુજરાતી સાહિત્યને જીવંત રાખવાના પ્રયાસો કરી રહ્યા હતા. 27 નવેમ્બરને બુધવારે વહેલી સવારે 6 કલાકે તેમણે તેમના ઘરે જ અંતિમ શ્વાસ લીધો હતો. જેમની અંતિમ યાત્રા તેમના નિવાસ્થાનેથી બપોરે 3 કલાકે નિકળી વલસાડ સ્મશાનભૂમિ પર પહોંચી હતી. જેમાં સોની સમાજ તેમજ સાહિત્ય રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.