વન વિભાગ દ્વારા પાંજરૂ મુકવાની તાત્કાલિક તજવીજ હાથ ધરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વલસાડ જિલ્લામાં ગ્રામ્ય, શહેરી વિસ્તારોમાં દિપડા વારંવાર નજરે પડે છે. તેવો વધુ એક બનાવ શનિવારે રાત્રે અતુલ પાસેના બિનવાડા ગામે પેટ્રોલ પમ્પ ઉપર બે દિપડા નજરે પડયા હતા. દિપડાની અવર જવર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
બિનવાડા પેટ્રોલ પમ્પ ઉપર રાત્રે બે દિપડા આવ્યા હતા. દિપડાને જોઈ કુતરાઓ જોર જોરથી ભસવા લાગ્યા હતા તેથી ગ્રામજનો અને પેટ્રોલ પમ્પના કર્મચારીઓ એકઠા થઈ ગયા હતા. સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા બે દિપડા દેખાયા હતા. ગામમાં દિપડાની હાજરી લઈને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તેથી વન વિભાગને દિપડા હોવાની જાણ કરવામાં આવી હતી. વન વિભાગે તુરંત પાંજરુ મુકવાની તજવીજ હાથ ધરી હતી. થોડા સમય પહેલાં પારનેરા ગામમાં પણ દિપડાની અવર જવર દેખાઈ હતી. આ વિસ્તારમાં દિપડાઓનો વારંવાર પગપેસારો સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે.