Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

સંદર્ભઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ_ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના દરેક નિર્ણયમાં દાનહ અને દમણ-દીવનું વિશાળ હિત સંકળાયેલું રહે છે ત્‍યારે…

દમણ જિલ્લાની મોટા ભાગની ગ્રામ પંચાયતોના સરપંચોએ ખાનગીકરણના નિર્ણયની ફેર વિચારણામાટે કરેલી રજૂઆત લોકશાહી માટે આવકારદાયક

ભારત સરકારે દેશના તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિદ્યુત વિભાગ/નિગમોના ખાનગીકરણ માટે લીધેલા નિર્ણયમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો પણ સમાવેશ થયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેબીનેટે જ્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ખાનગીકરણના પ્રસ્‍તાવ ઉપર મહોર મારી છે, ત્‍યારે તેમાં પણ પ્રદેશનું હિત સમાયેલું હશે એવો વિશ્વાસ રાખવો પણ જરૂરી છે કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ છેલ્લા સાત વર્ષના કાર્યકાળ દરમિયાન ખાસ કરીને દાદરા નગર હવેલી અને દમણ-દીવની લીધેલી ખાસ કાળજીના કારણે આજે આ પ્રદેશ ફક્‍ત રાષ્‍ટ્રીય સ્‍તરે નહીં પરંતુ આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે પણ ગૌરવાન્‍વિત બન્‍યો છે. તેથી સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ/નિગમના ખાનગીકરણ બાબતે પણ તેમનું આગવું વિઝન હશે એવું માનવામાં આવે છે પરંતુ અન્‍ય કેન્‍દ્ર શાસિત પ્રદેશો કે રાજ્‍યના વિદ્યુત વિભાગ/નિગમની તુલનામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો વિદ્યુત વિભાગ/નિગમ નફો રળતો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે સંભાળેલા અખત્‍યાર બાદ તેમણે શરૂ કરેલા પ્રયાસોથી ખોટમાં જઈ રહેલ દાદરા નગરહવેલી પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન પણ હમણાં નફો આપતું થઈ ચૂક્‍યું છે. દમણ-દીવના વિદ્યુત વિભાગમાં પણ લાઈન લોસિસનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટવા સાથે મબલખ નફો રળતું પણ થઈ શક્‍યું છે. પડોશના રાજ્‍યોની સરખામણીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુતદરોમાં પણ મોટો ફરક છે અને દેશમાં સૌથી સસ્‍તી વિજળી આ સંઘપ્રદેશમાં મળતી હોવા છતાં દર વર્ષે નફાનું પ્રમાણ પણ વધતું રહે છે. તેથી ભારત સરકારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ખાનગીકરણ માટે લીધેલો નિર્ણય કમનસીબ હોવાનું પ્રથમ દર્શનીય રીતે લાગી રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ખાનગીકરણ માટે નિર્ણય લીધો હોવાથી તેની પુનઃ સમીક્ષા થવાની શક્‍યતા નહિવત હોવાનું સમજાય છે. પરંતુ દમણ જિલ્લાના આ લખનાર સહિત ચાર પત્રકારોએ આ મુદ્દે ભારત સરકારનું ધ્‍યાન આકર્ષિત કરવાનો નિર્ણય લીધો છે કારણ કે, ભારત સરકારે લીધેલા નિર્ણયમાં ક્‍યાંક ને ક્‍યાંક શરતચૂક રહી ગઈ હોવાનું સમજાય છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 12 મહિના ત્રીસે-ત્રીસ દિવસ, સપ્તાહમાં સાતે-સાત દિવસ, ચોવીસ કલાક કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર ભર વરસાદ હોય, ઉનાળો હોય કે શિયાળો હોય દરરોજવીજ પૂરવઠો મળતો રહે છે અને ફરિયાદ નિવારણથી માંડી બીલ ભરવા સુધીની કોમ્‍પ્‍યુટરાઈઝડ અને ઓનલાઈન વ્‍યવસ્‍થા હોવા છતાં આ વિભાગ/નિગમના ખાનગીકરણ માટે લેવાયેલા નિર્ણયની પુનઃસમીક્ષા માટે પણ મજબૂત અવકાશ છે. હવે, ટોરેન્‍ટ પાવરના હાથમાં પ્રદેશના વિદ્યુત વિભાગનું સુકાન જઈ રહ્યું છે, ત્‍યારે દમણ જિલ્લાની મોટા ભાગની ગ્રામ પંચાયતોના સરપંચોએ ભારત સરકારને પોતાના નિર્ણયની ફેર વિચારણા કરવા અપીલ પણ કરી છે. ગ્રામ પંચાયતના સરપંચોએ થોડો વિલંબ અવશ્‍ય કર્યો છે પરંતુ ‘જાગ્‍યા ત્‍યારથી સવાર’માની પોતાની લાગણી રજૂ કરી એ લોકશાહી માટે આવકારદાયક ઘટના છે.
અત્રે યાદ રહે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દરેક નિર્ણયમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિશાળ હિત સંકળાયેલું રહે છે. તેમણે હંમેશા આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશની અંગત કાળજી લીધી છે. ત્‍યારે, આ બાબતે પણ તેઓ પરિસ્‍થિતિનો સંપૂર્ણ અભ્‍યાસ કરી પ્રદેશના વિશાળ હિતમાં યોગ્‍ય નિર્ણય લેશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

ચીખલીના વંકાલમાં માટી ભરેલ ટ્રેકટર ઘૂસી જતા વીજ ટ્રાન્‍સફોર્મર જમીનદોસ્‍ત

vartmanpravah

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની ત્રણ વિદ્યાર્થીનીઓની ખો-ખો (ગર્લ્‍સ) સ્‍પર્ધામાં ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં પસંદગી

vartmanpravah

કીકરલાથી ચાર જેટલી મોટર સાયકલો પર દારૂનો જથ્‍થો પહોંચતો થાય તે પહેલા પોલીસ ત્રાટકી

vartmanpravah

Leave a Comment