(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.02
જો તમે સુતા હોવ અને અચાનક તમારા માથા નજીક છત પરથી સાપ પડે તો? કલ્પનામાં પણ ડર લાગે છે. પરંતુ આવું જ કંઈક પારડી સ્ટેશન નજીક રહેતા એક પરિવાર સાથે બન્યું હતું. ગત રાત્રીના પારડી સ્ટેશન નજીક જલારામ સોસાયટી પાસે રહેતાસંજયભાઈ રમેશભાઈ હળપતિ તેમના બાળકો અને પત્ની સાથે ઘરમાં મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે અચાનક છત પર અવાજ આવતા ઉંઘમાં જ પરિવારના સભ્યોએ એક સાપ ઉંદર પાછળ દોડી રહ્યો હોવાનું દૃશ્ય જોયું હતું અને પરિવાર આ દૃશ્ય જોઈ કંઈક કરે તે પહેલાં જ આ સાપ છત પરથી સીધો તેમના પર પડતા પરિવારમાં ડર સાથે દોડધામ મચી ગઈ હતી અને પરિવારના તમામ સભ્યો ઘર બહાર નિકળી ગયા હતા. મોડી રાત્રે આશરે 11:30 બનેલી આ ઘટનાએ ફરી ઘરમાં પ્રવેશવું મુશ્કેલ બન્યું હતું. આ દરમ્યાન પરિવારે પારડીના જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા તેમણે મોડી રાત હોવા છતાં તાત્કાલિક ગ્રુપના સભ્ય યાસીન મુલતાનીને ઘટના સ્થળે રવાના કર્યો હતો. યાસીન મુલતાનીએ ઘરમાં પ્રવેશી સહી સલામત રીતે ઘરમાં છુપાયેલા સાપને શોધી પકડી પાડતા પરિવારે રાહતનો દમ લીધો હતો. જો કે આ સાપની ઓળખ રૂખાઈ એટલે રૂપસુંદરી તરીકે અને બીનઝેરી હોવાનું યાસીન મુલતાનીએ જણાવ્યું હતું.