ડેલકર પરિવાર દ્વારા ગૌશાળા માટે રૂા.1.પ0 લાખનું દાન અને સાંસદનિધિના ફંડની ફાળવણી તથા ગૌશાળાનો કાર્યક્રમ પોતાના પિતા સ્વ.મોહનભાઈ ડેલકરની શ્રદ્ધાંજલિ સ્વરૂપ હોવાની શિવસેના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકરે વ્યક્ત કરેલી લાગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાથી શરૂ કરી રૂા. 05 લાખ 50 હજારના ફંડની ફાળવણી ગૌશાળાને કરી એક શુભશરૂઆતનો પ્રારંભ કર્યો હોવાની લાગણી પણ વહેતી થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, શીવસેનાના પ્રદેશ પ્રમુખ શ્રી અભિવન ડેલકર તથા સાંસદના દીકરી દિવીતાએ સમર્પણ સ્મૃતિ સપ્તાહ અંતર્ગત સેલવાસ ખાતે આવેલી ગૌશાળાની મુલાકાત લઈ ગૌપૂજા પણ કરી હતી.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે દાનહના કલેક્ટરને સાંસદનિધિની સ્વીકૃતિ માટે પાઠવવામાં આવેલ પત્રમાં લાવારીસ ગાયોની સારી રીતે દેખભાળ અને સુરક્ષા માટે ગૌશાળા ભવન બનાવવા રૂા. 05 લાખ પ0 હજારની ફાળવણી કરી હોવાનું જણાવ્યું છે. ડેલકર પરિવાર દ્વારા પોતાના તરફથી પણ રૂા. 1લાખ પ0 હજારના દાનનો ચેક ગૌશાળાના સંચાલકોને એનાયત કરવામાં આવ્યો હતો.
શીવસેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી અભિનવ ડેલકરે ગૌશાળાનો કાર્યક્રમ, સાંસદનિધિનું ફંડ તથા ડેલકર પરિવાર દ્વારા આપવામાં આવેલ એ તેમના પિતા અને સાંસદ સ્વ. શ્રી મોહનભાઈ ડેલકરની શ્રદ્ધાજંલિ સ્વરૂપ હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી.