તાજું ભોજન અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે ભૂતકાળની માફક જ ‘મધ્યાહ્ન ભોજન યોજના’ ચાલુ રહે તે જરૂરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.17
ચીખલી સહિત નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને ગરમ તાજુંભોજન મળે અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે ભૂતકાળની માફક પ્રાથમિક શાળાઓમાં જ મધ્યાહન ભોજન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. શાળાઓમાં ઓફ લાઇન શિક્ષણ શરૂ થયાને એક માસ કરતા વધુ સમય વીતવા છતાં મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવ્યું નથી.
ચીખલી સહિત સમગ્ર નવસારી જિલ્લાની 660-જેટલી પ્રાથમિક શાળાઓમાં 70-હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જિલ્લાની શાળાઓમાં ગત 7-ફેબ્રુઆરીના રોજથી કોરોનાનું સંક્રમણ ઘટતા ઓફ લાઇન શિક્ષણ શરૂ કરી દેવાયું હતું. જેનો આજે એક માસ કરતા વધુ સમય વીતવા છતાં મધ્યાહન ભોજન શરૂ કરાયું નથી.જેને લઈને હજ્જારો બાળકોને હાલાકી વેઠવાની નોબત આવી છે.
આ દરમ્યાન નવસારી જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકોને ગરમા ગરમ અને તાજું ભોજન ઉપલબ્ધ થાય અને સ્થાનિકોને ધર આંગણે રોજગારી પણ મળી રહે તે માટે ભૂતકાળની જેમ જે તે પ્રાથમિક શાળાઓમાં જ મધ્યાહન ભોજન માટે રસોડું શરૂ કરવામાં આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક આગેવાનોમાં માંગ ઉઠવા પામી છે.
વલસાડ જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા મધ્યાહન ભોજન શાળામાં જ શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.અને એલપીજી ગેસ જોડાણ અને વાસણો માટે જરૂરી ગ્રાંટની પણ જોગવાઈ કરી દેવામાંઆવી છે, ત્યારે નવસારી જિલ્લામાં મધ્યાહન ભોજન શરૂ કરવા તંત્ર કયા મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે. તે સમજાય એમ નથી. સમગ્ર મામલે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ નિષ્ક્રિયતા છતી થવા પામી છે.