-
શિવસેનાના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકરે પણ જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસને જિલ્લાની સમસ્યાથી રૂબરૂ કર્યા
-
દર ઉનાળે દાનહમાં પીવાના પાણી તથા અનેક અન્ય સમસ્યાઓનીપણ કરાયેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22
દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિવન ડેલકરે આજે પ્રદેશની વિવિધ સમસ્યા અને વિકાસલક્ષી મુદ્દાઓ સાથે દાનહના કલેક્ટર ડો.રાકેશ મિન્હાસ સાથે મુલાકાત કરી પોતાની રજૂઆતો કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને પ્રદેશ શિવસેના પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે દાનહની તમામ પંચાયતો શહેરી વિસ્તાર માટે સાંસદનિધિ અંતર્ગત ફાળવેલ રૂા.ર કરોડ 60 લાખના કામોની યાદી જિલ્લા કલેક્ટરને સુપ્રત કરી હતી અને વહેલી તકે કાર્ય શરૂ કરવા પણ રજૂઆત કરી હતી.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે દાનહના ગ્રામીણ વિસ્તારોમાં દર ઉનાળે પીવાના પાણીની ઉભી થતી સમસ્યાના નિરાકરણ માટે, નવા રોડની સુવિધા તથા ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં જરૂર છે તેવી જગ્યાએ સ્ટ્રીટ લાઈટ, નાળા,ગટર, સ્મશાનગૃહ, બેસવાના બાકડા, હેન્ડપંપ અને રુદાના પંચાયતમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે એક ભવનના નિર્માણ માટે પોતાની રજૂઆત કરી હતી. તેમણે સાંસદનિધિ અંતર્ગત દિવ્યાંગો માટે ત્રણ પૈડાવાળી સ્કૂટી, બે વ્હીલચેર, એક સાયકલ ખરીદવા પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર ડો.રાકેશ મિન્હાસે ભરોસો આપ્યો હતો કે, જિલ્લા પ્રશાસનહંમેશા લોકોની સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે પ્રયાસરત છે. તેમણે સાંસદશ્રી દ્વારા રજૂ કરાયેલ તમામ સમસ્યાઓ અને પ્રસ્તાવોના વહેલીતકે અમલીકરણ માટે પણ આશ્વાસન આપ્યું હતું.
આ પ્રસંગે દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર, જિ.પં. સભ્ય શ્રી દિપક પ્રધાન, સેલવાસ ન.પા.ના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશ પટેલ, સેલવાસ ન.પા.ના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલ, સેલવાસ ન.પા.ના પૂર્વ ઉપપ્રમુખ ડો. ટી.પી.ચૌહાણ, શ્રી ઈન્દ્રજીત પરમાર, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, નગર પાલિકાના સભ્યો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.