(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.27 ચીખલીના યુવા કોંગ્રેસ અગ્રણી શ્રી શૈલેષભાઈ પટેલની નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે નિયુક્ત કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે. તાલુકાના સાદકપોર ગામના વતની શ્રી શૈલેષભાઈ પટેલની તાલુકા કોંગ્રેસના પ્રમુખપદે કામગીરી કર્યા બાદ છેલ્લા એકાદ વર્ષોથી તેમને જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેનો ચાર્જ સોપાયો હતો. તેમને સોંપવામાં આવેલ જવાબદારી દરમ્યાન અનેક વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઈ આક્રમકતાથી પોતાની પાર્ટીનો પક્ષ રજૂ કરતા આવ્યા છે. આ ઉપરાંત જાહેરહિતના પ્રશ્નોમાં પણ અવારનવાર આવેદનપત્ર પાઠવી લોકોના પ્રશ્નોને વાચા આપવાના પ્રયત્નો હાથ ધરી કોંગ્રેસના કાર્યકરોમાં એક નવો જોમ અને ઉત્સાહ ભરવા સતત પ્રયત્નશીલ રહેતા અને કોરોના કાળ દરમિયાન પણ તેમની કામગીરીની નોંધ લઇ ખાનગી સંસ્થા દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જોકે કોંગ્રેસની હાલની સ્થિતિ વચ્ચે તેમની સામે અનેક પડકારો પણ રહેશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે શ્રી શૈલેષભાઈ પટેલની નિયુક્તિને જિલ્લા કોંગ્રેસના અગ્રણી સિદ્ધાર્થભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલ, શ્રી એ.ડી.પટેલ, શ્રી સલીમભાઈ, શ્રી ગોવિંદભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભારતીબેન, શ્રી મગનભાઈ આમધરા, શ્રીમતી ફાલ્ગુનીબેન, તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી આઈ.સી.પટેલ સહિતનાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.