(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)ચીખલી,(વંકાલ)
ચીખલી તાલુકાના વંકાલ ગામના પૂર્વ સરપંચ શ્રી દીપકભાઈ પટેલ તેમજ શ્રી જીતુભાઇ પટેલ, અગ્રણી શ્રી દિપકભાઈ સોલંકી સહિતનાની આગેવાનીમાં વજીફા ફળીયાના ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી શ્રી અમિતભાઈ ચૌધરીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમારૂં વજીફા ફળિયું કાવેરી નદીના કિનારા પર આવેલ છે. ચોમાસાની સિઝનમાં ઉપરવાસના વિસ્તારોમાં વધુ વરસાદ પડે તે સમયે પૂરના પાણી ફળીયાના રહેણાંક અને ખેતર વિસ્તારમાં ફરી વળતાં ફળિયું બેટમાં ફેરવાઇ જતાં સંપર્ક વિહોણું થઈ જાય છે અને હળદળ, શેરડી, ડાંગર, સૂરણ, આંબા, ચીકુ, પપૈયા તથા અન્યવૃક્ષોને તથા પાકોને વ્યાપક નુકશાન થતું આવ્યું છે અને હવે બુલેટ ટ્રેનના સર્વિસ રોડના કારણે કેટલીક જગ્યાએ પાણીના વહેણ પુરાઈ જવાના કારણે ઔર વધુ વિકટ પરિસ્થિતિનો સામનો લોકોને કરવા પડશે.
આ દરમ્યાન હાલે બુલેટ ટ્રેનનો માટીથી બનાવેલ સર્વિસ રોડ ઘણી જ ઊંચાઈ સુધી લેવામાં આવેલ છે. ફળિયું હાલ બે ભાગમાં વહેંચાઈ ગયેલ છે. ત્યારે બુલેટ ટ્રેનનો સર્વિસ રોડનો પૂર્વ તરફનો ભાગ ઊંચાઈએ આવેલો હોવાથી ચોમાસામાં પૂરના પાણી પૂર્વ બાજુએથી વહીને પヘમિ દિશામાં કાવેરી નદીમાં ઠલવાય છે. પરંતુ બુલેટ ટ્રેનના સર્વિસ રોડના પરિણામે પૂરના પાણીનો નિકાલ થશે નહીં અને અનેક ખેડૂતોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘુસી જશે અને પાણીનો ભરાવો થતા ખેતી પાકો બરબાદ થઈ જશે.
વધુમાં ખેતીવાડીની જમીનનો અંદાજે 60 થી 70 ટકા ભાગ બુલેટ ટ્રેનની લાઈનના પヘમિ ભાગે આવેલો છે. જેમાં ઊંચાઈવાળા સર્વિસ રોડના કારણે મોટરનું પાણી, ખેડ ખાતરના વાહનો વગેરે સામેની બાજુએ લઈ જવાનું બંધ થતાં અમારી મહામૂલી ખેતીવાડી નકામી થઈ જવા સાથે અમારૂં આવકનું સાધન છીનવાઈ જતાં દુધાળા પશુઓ સહિત અમારી સ્થિતિ કફોડી બની જશે.
આમ બુલેટ ટ્રેનના સર્વિસ રોડની ઊંચાઈને પગલે પૂરના પાણીનો નિકાલ નહીં થઈ શકે તેમ હોવાથીઅલગ અલગ ચારથી પાંચ જગ્યાએ મોટા કદના સિમેન્ટના પાઇપ નાંખવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.