સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલ અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ નિમેશ દમણિયાએ આપેલી હાજરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા (એસ.સી.મોરચા)ના રાષ્ટ્રીયપદાધિકારીઓની બેઠક 20 એપ્રિલના રોજ હિમાચલ પ્રદેશના સિમલા શહેરમાં યોજાઈ હતી. જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી અશોક ખટરમલ અને પ્રદેશ અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી નિમેશ દમણિયા ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત મીટીંગમાં અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલસિંહ આર્ય મુખ્ય મહેમાન હતા અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય પ્રભારી શ્રી વી. સતિષ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી. એલ. સંતોષ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સિમલામાં ભાજપના કાર્યાલયમાં આયોજિત અનુસૂચિત જાતિ મોરચાની આ બેઠકની અધ્યક્ષતા અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલ સિંહ આર્યએ કરી હતી અને આ બેઠકમાં સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી અને પક્ષના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.
આ બેઠકમાં શ્રી લાલસિંહ આર્યએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બેઠકમાં અનુસૂચિત વર્ગોને લાભ આપવા અંગે આગામી ત્રણથી ચાર મહિના માટે કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે આગામી કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી અને સહ-પ્રભારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. જેમાં સંગઠનને મજબૂત કરવા માટે વ્યૂહરચનાતૈયાર કરવામાં આવશે.
અતિ મહત્વપૂર્ણ આ રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં, ભારતમાં અનુસૂચિત જાતિ સમાજના આર્થિક વિકાસ અને શૈક્ષણિક વિકાસના મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પછી, અનુસૂચિત જાતિ મોરચાના અધિકારીઓના પ્રતિનિધિ મંડળે હિમાચલ પ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.