કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રી, રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહે આજે નવી દિલ્હીમાં ‘‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા” યોજનાની ચોથી વર્ષગાંઠ નિમિત્તે કરેલી જાહેરાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.12: પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની ચોથી વર્ષગાંઠ પર, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહે કેન્દ્ર શાસિત પ્રદેશ 3ઝના દીવ જિલ્લાના માછીમારો માટે મોટી ભેટની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં આ અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે દેશના વિવિધ પ્રોજેક્ટ્સમાં માછીમારો માટે મોદી સરકાર દ્વારા મંજૂર કરાયેલા ભંડોળની માહિતી શેર કરી હતી. જેમાં દીવ જિલ્લાના વણાકબારા ખાતે માછીમારી બંદર માટે રૂા.128.86 કરોડની નાણાકીય મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પી.એમ. મોદીને દીવ જિલ્લાના માછીમારોની સુવિધા માટે વણાંકબારા ફિશિંગ હાર્બર પ્રોજેક્ટને મંજૂરી આપવા વિનંતી કરી હતી. આ પછી, આ પ્રોજેક્ટ માટે 100 ટકા ભારત સરકારના ભંડોળની ફાળવણી માટે પણ વિનંતી કરવામાં આવી હતી. હવે ભારત સરકારે વણાંકબારા ફિશિંગ હાર્બર માટે રૂા.128.86 કરોડ મંજૂર કરીને આ પ્રોજેક્ટને શક્ય તેટલી વહેલી તકે જમીન પરથી ઉતારવાનો માર્ગ સાફકર્યો છે.