વલસાડ તા.૨૫: ગત તારીખ ૧૫/૦૪/૨૦૨૨ ના રોજ ધરમપુર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી વિકાસ સિયોલએ આઈ.પી.સી.ની કલમ ૩૩૨, ૫૦૪ ૫૦૬(૨) માં આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
આ બનાવની હકિકત એવી છે કે, દક્ષિણ ગુજરાત વીજ કંપની વલસાડના વિજીલન્સ વિભાગના નાયબ ઇજનેર શીતલકુમાર રમેશચંદ્ર પટેલ અને તેમની ટીમ દ્વારા તા.૧૫/૬/૧૫ના રોજ ધરમપુર તાલુકાના બારસોલ ગામે પહોંચી વીજ જોડાણ તેમજ વીજ ચોરીના ચેકિંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન આ કામના આરોપી પ્રવીણભાઈ પટેલ, રાહુલભાઈ પ્રવીણભાઈ પટેલ તેમજ જશોદાબેન પ્રવીણભાઈ પટેલ અચાનક દોડી આવી ફરિયાદી તેમજ તેમની સાથે આવેલા સ્ટાફના માણસો સાથે ગાળાગાળી કરી બાવળના લાકડાથી ફરિયાદીને માર મારવાનું ચાલુ કરી દીધું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેરશ્રી પટેલે ધરમપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૩૨, ૫૦૪, ૫૦૬(૨)૧૧૪ મુજબનો ગુનો આરોપીઓ પર નોંધી ફરિયાદ કરી હતી. જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા તારીખ ૧૫/૦૪/૨૦૨૨ના રોજ ધરમપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે અંતિમ સુનાવણીમાં મદદનીશ સરકારી વકીલ ભરત એસ. ભોયેની દલીલો સાંભળી તેમજ તેમની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી નંબર ૧.પ્રવીણભાઈ છગનભાઈ પટેલ ૨.રાહુલભાઈ પ્રવીણભાઈ પટેલ તેમજ આરોપી નંબર ૩.જશોદાબેન પ્રવીણભાઈ પટેલને આઈ.પી.સી.ની કલમ ૩૩૨ સાથે વાંચતા ૧૧૪ મુજબના સજાના પાત્ર ગુનામાં બે વર્ષની સાદી કેદની સજા તેમજ દરેક આરોપીને પાંચસો રૂપિયાનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. તેમજ આરોપી નંબર ૧ ને આઈપીસીની કલમ ૫૦૪, ૫૦૬(૨) મુજબના સજાને પાત્ર ગુના માટે ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા ૫૦૦નો દંડ ફટકાર્યો છે અને આરોપી નંબર ૧ નાએ પોતાને કરેલ સજા એકસાથે ભોગવવાનો હુકમ કર્યો છે.
આમ સરકારી કર્મચારીની કામગીરીમાં અડચણ કરી તેઓને ઈજા પહોંચાડી હોય અને સમાજમાં આવા દાખલા બેસે અને સરકારી કર્મચારીની ફરજ દરમિયાન કોઈ અડચણ ન થાય તે તમામ બાબતો ધ્યાને રાખી આરોપી વિરુદ્ધ પુરાવો પડતા ધરમપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી વિકાસ સિયોલએ આરોપીને સજા ફટકારી છે.