આ વર્ષે પણ ચોમાસામાં ઢોલર જંક્શન, સરકારી કવાર્ટરો, ભામટી, નવયુગ ફળિયું મગરવાડા સહિતના વિસ્તારોમાં પાણીની રેલમછેલ રહેવાની સંભાવના
મુખ્ય માર્ગની ગટર ઉપર પેવર બ્લોક લગાવવાની કામગીરી દરમિયાન ગટરમાં પડેલા સિમેન્ટ-કોંક્રિટના કચરાને ઉઠાવવાની કાળજી કોન્ટ્રાક્ટર અને સંબંધિત તંત્રએ નહી લેતા સ્થિતિ વણસવાની આશંકા
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે વરસાદી પાણીના ભરાવાથી કોઈના જાનમાલને નુકસાન નહીં થાય તેની તકેદારી રાખવા સંબંધિત તંત્રને આપેલી ચીમકી છતાં વિભાગ દ્વારા પોતાની જવાબદારીમાંથીછટકવા અપનાવાતી યુક્તિ-પ્રયુક્તિઓ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25
મોટી દમણ ખાતે ગયા વર્ષે ચોમાસામાં ઢોલર જંક્શન, ડીઆઈજીના બંગલા નજીક ઢોલર ખાતે સરકારી ક્વાર્ટર વિસ્તારમાં, ભામટી માહ્યાવંશી ફળિયું અને મેઈન રોડ તથા ભામટી નવીનગરી,પલહિત, નવયુગ ફળિયા મગરવાડા, જમ્પોર વારલીવાડ, નાયલાપારડી, વરકુંડ જેવા વિસ્તારોમાં પાણીનો ભારે ભરાવો જોવા મળ્યો હતો. ગયા વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીમાં પણ આવેલી ઓટના કારણે સ્થિતિ વણસી હતી.
હવે ચોમાસાને માંડ દોઢ કે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. જાહેર બાંધકામ વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા આ વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી કરતું નજરે પડી રહ્યું છે. પરંતુ મુખ્ય માર્ગ ઉપર ફૂટપાથ તોડીને લગાવેલા પેવર બ્લોક દરમિયાન ફૂટપાથના પડેલા સિમેન્ટના કચરાને કાઢવાની તસ્દી કોન્ટ્રાક્ટરે અને સંબંધિત તંત્ર દ્વારા લેવામાં નહી આવી હોવાના કારણે આ વર્ષે ગયા વર્ષ કરતા પાણી ભરાવાનું બિહામણું સ્વરૂપ જોવા મળશે એવું અનુભવીઓ જણાવી રહ્યા છે.
બીજીબાજુ તંત્ર દ્વારા મુખ્ય માર્ગને કટીંગ નહી કરવા અપનાવેલી નીતિ-રીતિના કારણે ફરી એકવાર ભામટી માહ્યાવંશી ફળિયાનો વિસ્તાર ડુબાણમાં જવાની શક્યતા પણ નકારાતી નથી. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલેવરસાદી પાણીના ભરાવાથી કોઈના જાનમાલને નુકસાન નહીં થાય તેની તકેદારી રાખવા સંબંધિત તંત્રને આપેલી ચીમકી છતાં વિભાગ દ્વારા પોતાની જવાબદારીમાંથી છટકવાની યુક્તિ-પ્રયુક્તિ અજમાવતા હોવાનું નજરે પડે છે.
વરસાદ શરૂ થવાના આડે હજુ દોઢથી બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના સ્તરે કામગીરી શરૂ કરવામાં આવે તો આ ચોમાસામાં લોકોને પાણી ભરાવામાંથી રાહત થઈ શકશે. જે તે વિસ્તારમાં પાણીનો ભરાવો થયા બાદ તેને કાઢવા માટેની કવાયતમાં લાગતા ખર્ચ અને પરિશ્રમ કરતા હાલમાં અગમચેતી રાખી કરેલું આયોજન ઘણું સાર્થક રહેશે એવું પણ કેટલાક અનુભવીઓ જણાવી રહ્યા છે.