(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04
સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં આવેલ સોરઠીયા મસાલા મિલમાં અગમ્ય કારણસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના સેલવાસની પ્રખ્યાત મસાલા મિલ એસ.ટી.ડેપોની બાજુમાં આવેલી છે અને મિલ માલિકનો પરિવાર પણ મિલની ઉપર બનાવેલ મકાનમાં રહે છે. આજે બુધવારની રાત્રિએ દશેક વાગ્યાના સુમારે અચાનક મિલમાંથી ધુમાડા સાથે આગ પકડી લીધી હતી જેથી અંદર કામ કરતા લોકો તાત્કાલિક મિલની બહાર નીકળી ગયા હતા, બાદમાં ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી. બાદમાં મિલ માલિકના પરિવારના પાંચ સભ્યોનું રેસ્ક્યુ કરી એમને બહાર લાવવામાં આવ્યા હતા. ભીષણ લાગેલ આગને ઓલવવા સેલવાસ, ખાનવેલ, સરીગામ તથા વાપીથી બંબાઓ બોલાવવામાં આવ્યા હતા. આગે એવું વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.