Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બામટી ખાતે રૂા. 5.47 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને રૂા.1.87 કરોડના ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવાશે

રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.20
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ખાતે આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મંજૂર થયેલા કામો પૈકી રૂા. 5.47 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય યુનિટ-ર અને રૂા.1.87 કરોડના ખર્ચે કલ્‍ચરલ કમ કોમ્‍યુનીટી હોલના મકાન બાંધકામની ખાતમુહૂર્તવિધિ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલના મુખ્‍ય મહેમાન પદે તેમજ કલ્‍પસર અને મત્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્‍કાબેન શાહ તેમજ સાંસદ ડો.કે.સી.પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું હતું.
216 વિદ્યાર્થીઓની કેપેસીટી ધરાવતી હોસ્‍ટેલમાં ગ્રાઉન્‍ડ ફલોર પર કોમન રુમ, સ્‍ટોર, ડાયનીંગ હોલ, કિચન, સર્વન્‍ટ રુમ, વિઝિટર રુમ, વોર્ડન રુમ, કોમન ટોયલેટ,ઇલેક્‍ટ્રિક રુમ, તથા ફર્સ્‍ટ ફલોર, સેકન્‍ડ ફલોર અને થર્ડ ફલોર પર બોયસ રુમ વિથ બાલ્‍કની અને ટોયલેટ અને રીડીંગ રૂમનો જ્‍યારે કોમ્‍યુનિટી હોલના કામમાં ગ્રાઉન્‍ડ ફલોર ઉપર ડાયનીંગ હોલ, કિચન, સ્‍ટોર, વોશ એરીયા, જેન્‍ટસ તથા લેડીસ ટોયલેટ તથા ક્‍સ્‍ટ ફલોરમાં કોન્‍ફરન્‍સ હોલ, મીટીંગ હોલ વિથ સ્‍ટેજ, ગ્રીન રુમ, ઓફિસ, જેન્‍ટસ તથા લેડીસ ટોયલેટનો સમાવેશ કરાયો છે.
આ અવસરે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ગામના સરપંચ નસીબદાર છે કે, ધરમપુરની મોટાભાગની યોજનાઓ બામટીમાં જ આવે છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, કોરોનાકાળમાં જ્‍યારે ઓનલાઈન શિક્ષણ હતું ત્‍યારે પડેલી નેટ કનેક્‍ટિવિટીની મુશ્‍કેલીઓને ધ્‍યાને રાખી આ બજેટમાં ગુજરાતમાં 500 ટાવર આદિજાતિ વિસ્‍તારમાં સ્‍થાપવાનું આયોજન કરાયું છે. કોરોનાની લીધે બંધ રહેલી શાળાઓને કારણે દૂધ સંજીવની યોજનાની બચેલી ગ્રાન્‍ટ શૈક્ષણિક વિકાસ કાર્યોમાં ઉપયોગમાં લેવાશે, તેમ તેમણે જણાવ્‍યું હતું. ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડતો હોવા છતાં પાણીની મુશ્‍કેલી પડે છે, તે નિવારવા માટે અસ્‍ટોલ પાણી પુરવઠા યોજના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તા.10મી જૂને નવસારી જિલ્લાના ખુડવેલખાતે આવી રહ્યા છે, જેમાં સૌને ઉપસ્‍થિત રહેવા અનુરોધ કર્યો હતો. દેશમાં વીજળીની તંગી છે ત્‍યારે, ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીએ પવન અને સોલાર શક્‍તિનો ઉપયોગ કરી સુંદર સુવિધા પૂરી પાડી છે, આ ઉપરાંત કોરોના સામે રક્ષણ મેળવવા તેની રસી વિનામૂલ્‍યે આપી છે.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ધોડિયા સમાજનું ભવન બનવા જઈ રહ્યું છે પણ તે સર્વ સમાજને ઉપયોગી બનશે. જેની કામગીરી ગુણવત્તાયુક્‍ત બને તેની તકેદારી રાખવા જણાવ્‍યું હતું. વર્ષ 2022-2023ના બજેટમાં વલસાડ ખાતે રૂા.10.91 કરોડના ખર્ચે 200 કન્‍યાઓ માટે નવું છાત્રાલય મકાન વહીવટી મંજુરી હેઠળ છે. તેવી જ રીતે કપરાડા મુકામે રૂા.16.39 કરોડના ખર્ચે 200 કન્‍યાઓ માટે નવું મકાન બાંધકામ શરૂ કરવાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. ગામેગામ શિક્ષણની જ્‍યોત પ્રગટાવવા આશ્રમશાળાઓ શરૂ કરનારા વડીલો અભિનંદનને પાત્ર છે. નિવાસી શાળાઓમાં રહી શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને વધુ સુવિધા ઉપલબ્‍ધ કરાવવા આશ્રમશાળાઓ માટે સૌ પ્રથમ વખત ગુજરાત સરકાર દ્વારા 24 સ્‍થળો પર વિદ્યાર્થીઓને પુરતી સુવિધા મળી રહે ઘર જેવું વાતાવરણ મળે તે હેતુથી શાળાના મકાન બાંધકામ તથા ટોઇલેટ બ્‍લોક અને કિચન બાંધકામમાટે રૂા.11.54 કરોડની વહીવટી મંજુરી આપવામાં આવી છે. ધરમપુર અને કપરાડા તાલુકાના વિદ્યાર્થીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે અને તેઓ રાજ્‍યની આશ્રમશાળાઓમાં રહીને અભ્‍યાસ કરી રહ્યા છે, ત્‍યારે આશ્રમશાળાઓમાં એક પણ શિક્ષકની ઘટ ન રહે તે માટેના પૂરતા પ્રયાસો હાથ ધરાયા છે. એકલવ્‍ય સ્‍કૂલમાં સો ટકા પરિણામો આવે છે. આવનારા દિવસોમાં દરેક આદિજાતિ જિલ્લાઓમાં એકલવ્‍ય શાળાની જેમ બિરસા મુંડા જ્ઞાન શક્‍તિ વિદ્યાલયની શરૂઆત કરવામાં આવનાર હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. આરોગ્‍ય સુવિધાઓ પૂરતી મળે તેવુ રાજ્‍ય સરકાર આયોજનપૂર્વક કામગીરી કરી રહી છે. રાજ્‍યના સર્વાંગી વિકાસ માટે સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી. જાતિના દાખલા અને પેઢીનામું બનાવવામાં પડતી મુશ્‍કેલીઓ નિવારી સરળતા મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.
પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ધરમપુર અને કપરાડા જેવા આદિજાતિ વિસ્‍તાર ધરાવતા તાલુકાઓમાં કોલેજ કે અન્‍ય શૈક્ષણિક સંકુલો બન્‍યા પછી ત્‍યાં અન્‍ય સુવિધા ઉપલબ્‍ધ કરાવવા માટે રાજ્‍ય સરકાર જરૂરિયાત મુજબ મંજુરી આપે છે. જેના ભાગરૂપે આજે બે કામોના ખાતમુહૂર્ત થયાં છે. કોમ્‍યુનિટી હોલ આદિજાતિ ઉપરાંત અન્‍ય સમાજને પણ ઉપયોગીથશે તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી.
સંસદ ડો. કે.સી.પટેલ અને ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્‌બોધનો કર્યા હતા.
આ અવસરે પ્રાયોજના વહીવટદાર શ્રી બી.કે.વસાવાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની તેમજ આદિજાતિ વિકાસ વિભાગ હસ્‍તક વલસાડ જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની રૂપરેખા આપી હતી.
આભારવિધિ આદિજાતિ વિકાસના મદદનીશ કમિશનર શ્રી બી.આર. વળવીએ આટોપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નળીમધની શાળાના શિક્ષક શ્રી વિજયભાઈ પટેલે કર્યું હતું.
આ અવસરે સામાજિક ન્‍યાય સમિતિ અધ્‍યક્ષ શ્રી ધવલભાઈ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ગાંવિત, ધરમપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જ્‍યોત્‍સનાબેન દેસાઈ, કાર્યપાલક ઈજનેર શ્રી એમ.એમ.પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા તેમજ બામટીગામના સરપંચ શ્રી વિજયભાઇ પાનેરીયા સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ હોટલ અને બારના લાયસન્‍સ રદ્‌ કરાયા

vartmanpravah

સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિનું પ્રદેશવાસીઓએ આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે કરેલું સ્‍વાગત

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

vartmanpravah

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

ધરમપુરના વાંસદાજંગલ ગામે પતિની પ્રેમીકાનું ઢીમ ઢાળવા નિકળેલી પત્‍નીએ ભૂલથી પ્રેમીકાની માતાની હત્‍યા કરી પોતે આપઘાત કરીલીધો

vartmanpravah

Leave a Comment