(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10 : દાદરા નગર હવેલીના નરોલી ગામની યુવતી એની સખી સાથે મોપેડ પર સવાર થઈ સેલવાસ નોકરી પર જઈ રહી રહી હતી તે સમયે અથાલ નજીક એક કન્ટેઈનરના અડફેટમાં આવી જતાં એક યુવતીનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું અને બીજી યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જેને સારવાર અર્થે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જીનલ સુરેશભાઈ બારોટ (ઉ.વ.23), રહેવાસી નરોલી. જેઓ સેલવાસ ઈન્ડસઈન્ડ બેંકમાં નોકરી કરે છે, જેઓ સવારે નોકરી પર જવા માટે મોપેડ નંબર ડીડી01- ડી-0375 પર એની બહેનપણી સાથે જઈ રહી હતી. અથાલ નજીક પહોંચ્યા તે સમયે પાછળથી પુરઝડપે આવી રહેલ કન્ટેનર નંબર એમએચ-43- યુ-4751ના ચાલકે ટક્કર મારતા બન્ને યુવતીઓ મોપેડ સાથે નીચે પટકાયા હતા અને જીનલને માથાના ભાગે ગંભીર ઇજા થવાને કારણે ઘટના સ્થળ પર જ મોત થયું હતું અને જિનલની મિત્રને પણ ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી અને જીનલના પરિવારના સભ્યોપણ પહોંચી ગયા હતા. પોલીસે કન્ટેઈનરનો કબ્જો લઈ અને ચાલકની અટક કરવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.