જળ એ જ જીવન અને પાણીનો બગાડી નહીં કરવા ભારત સરકાર દ્વારા ચલાવાતી જાગૃતિ ઝુંબેશનો સેલવાસ ન.પા.ના પાણી પુરવઠા વિભાગ દ્વારા થઈ રહેલો ભંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26: જળ એ જ જીવન અને પાણીનો બગાડ નહીં કરવા માટે ભારત સરકાર ઠેરઠેર જાગૃતિ ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે સેલવાસ નગરપાલિકાની પાણીની લાઈનમાં છેલ્લા બે દિવસથી ભંગાણ થવાના કારણે હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ નગરપાલિકાના ઝંડા ચોક વિસ્તારમાં પાવર હાઉસની બાજુમાં અંડર ગ્રાઉન્ડ પાણીની લાઈનમાં ભંગાણ થવાથી હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર સૂચના આપવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતાં નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, સેલવાસના કેટલાકવિસ્તારોમાં હજુ પણ પુરતું પાણી નહીં મળતું હોવાની વ્યાપક ફરિયાદ છે. ત્યારે વહેલી તકે પાણીની લાઈનમાં થતાં ભંગાણને દૂર કરી પાણીનો થતો બગાડ અટકાવે એવી આશા આમ લોકો રાખી રહ્યા છે.