-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે જિ.પં. પ્રમુખ અને સભ્યોએ કરેલી ચર્ચાનું મળી રહેલું હકારાત્મક પરિણામ
-
પ્રશાસકશ્રીનાસલાહકાર વિકાસ આનંદે જિ.પં. સભ્યો અને સરપંચો સાથે કરેલી સમીક્ષા
-
જિલ્લા પંચાયત સભ્યોના પગાર-ભથ્થાં મુદ્દે શરૂ કરાયેલી કાર્યવાહીઃ સરપંચોને ઘર નોંધણીના અધિકાર મળે તે બાબતે કાયદાકીય ફેરફારની પણ સંભાવના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10
દાદરા નગર હવેલીના જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યોએ તાજેતરમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ જિલ્લા પંચાયતની કેટલીક સમસ્યાઓથી તેમને અવગત કરાયા હતા. જેના અનુસંધાનમાં આજે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદના નેતૃત્વમાં જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત અને લોકોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓના નિરાકરણ માટે હકારાત્મક ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
આ બેઠકમાં દાનહ જિલ્લા પંચાયતના 20 સભ્યો પૈકી 17 અને 20 ગ્રામ પંચાયતોના સરપંચો પૈકી 19 સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રશાસન દ્વારા ખાસ કરીને ઊંડાણના આદિવાસી વિસ્તાર માટે થઈ રહેલા વિવિધ વિકાસના કામોથી પરિચિત થયા હતા અને પ્રશાસકશ્રી દ્વારા સમસ્યાના સમાધાન માટે લેવાયેલ તાત્કાલિક પગલાંથી પણ તમામ સભ્યો પ્રભાવિત થયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પંચાયતોમાં ઘરની નોંધણી કરી શકાય તેમુજબના કાયદાઓનું ગઠન કરવા પણ વિચારણાં થઈ હતી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને માનદ્ વેતન અથવા રોજિંદુ ભથ્થું કે મોંઘવારી ભથ્થું મળે તેની જોગવાઈ કરવા પણ પ્રશાસન દ્વારા ગંભીરતાથી વિચારણાં થઈ રહી હોવાની આ બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં રોડ, લાઈટ તથા પાણીની સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં પ્રશાસન કાર્યરત હોવાની પણ જાણકારી આપવામાં આવી હતી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં દરેક સિઝનમાં ચાલી શકે એવા ટકાઉ રસ્તા, સ્ટ્રીટલાઈટ તથા દરેક ઘરને પાણી મળી રહે એવી સંકલિત યોજનાના કાર્યાન્વયન બાબતે ખાસ ચર્ચા-વિચારણા થઈ હતી અને જન પ્રતિનિધિઓના સૂચનને પણ આ મુદ્દે કેન્દ્રમાં રાખવામાં આવનાર હોવાની જાણકારી આપવામાં આવી હતી.
ભૂમિહિનો માટે મકાન, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) વગેરે યોજના અસરકારક રીતે અમલી બનાવાઈ રહી હોવાની જાણકારી આપવામાં આવી હતી. શૌચાલયોના નિર્માણ માટે જન પ્રતિનિધિઓને પણ સક્રિય ભૂમિકા ભજવવા આહ્વાન કરાયું હતું.
આ પ્રસંગે પ્રદેશના શ્રમ અને સમાજ કલ્યાણ સચિવ શ્રીમતી ભાનુ પ્રભાએ પ્રદેશની તમામ આંગણવાડી(નંદઘર) ચાલતી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી અને તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓનેઆંગણવાડીમાં સહભાગી બની પોતાની ગ્રામ પંચાયતના કુપોષિત બાળકોની દેખરેખ રાખવા દરેક જન પ્રતિનિધિઓને બે આંગણવાડીની જવાબદારી લેવા હાકલ કરી હતી.
દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદે દાદરા નગર હવેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું અને જલદીથી કેવી રીતે પૂર્ણ થાય તે દિશામાં પણ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, પ્રદેશના જાહેર બાંધકામ અને કૃષિ સચિવ શ્રી સૌરભ મિશ્રા, સમાજ કલ્યાણ સચિવ શ્રીમતી ભાનુ પ્રભા, દાનહના કલેક્ટર શ્રી ડો. રાકેશ મિન્હાસ, દાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.