દીવ શહેરમાં પણ વિકાસની રાજનીતિથી ભાજપનો વધેલો જનાધારઃ હવે લોકોના વિશ્વાસમાં કાઉન્સિલરોએ ખરા ઉતરવું પડશે
દીવ નગરપાલિકાની 13 બેઠકો પૈકી 7 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ 6576ના થયેલા મતદાનમાં ભાજપને 5888 મત મળ્યા છે. જેની સામે માત્ર 688 મત વિરૂદ્ધમાં ગયા છે. એનો સીધો અર્થ એ થાય છે કે, દીવમાં ભાજપનો જનાધાર વધ્યો છે.
જ્યારથી દીવ નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી એટલે કે, છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. આ વખતે કોંગ્રેસે પણ લોકોની લાગણીને પારખી પોતાના ઉમેદવારો ઉભા નહીં રાખી રાજકીય રીતે સારો નિર્ણય લીધો હતો.
ગત 2020ના નવેમ્બરમાં થયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ દીવ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. દીવનો ગ્રામ્ય વિસ્તાર લાંબા સમયથી ભાજપની સાથે રહ્યો છે. પરંતુ દીવ શહેર છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસને સાથ આપતુ રહ્યું હતું. પરંતુ આ વખતે ખાસ કરીને દીવને સ્માર્ટ સીટી યોજનામાં મળેલા સ્થાનના કારણે આવતા દિવસોમાં પૂરપાટ ઝડપે વિકાસ થવાનો છે. હાલમાં પણ દીવની થયેલી કાયાપલટથી પડોશના રાજ્યોને પણ બળાપો થાય તેવી સ્થિતિ છે.કારણ કે, જ્યારે ગોવા, દમણ અને દીવ સાથે સંયુક્ત પ્રદેશ હતો ત્યારે મોટાભાગે દીવની ઉપેક્ષા થતી હતી. તેનાથી ઉલટુ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સંયુક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ દીવનું પણ ભાગ્ય ખુલી ગયું છે. આજે પ્રવાસનની દૃષ્ટિએ વિશ્વમાં દીવની તુલના પヘમિ ભારતના બીજા ગોવા તરીકે થઈ રહી છે. જેનો સંપૂર્ણ યશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રદેશ પ્રત્યેની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કાર્ય યોજનાના ફાળે જાય છે.
આજે દીવમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને દીવ નગરપાલિકામાં વિરોધ પક્ષની સદંતર ગેરહાજરી રહેવાની છે. ત્યારે દીવના તમામ કાઉન્સિલરોની જવાબદારી વધી ચુકી છે. કારણ કે, આ મત કે પસંદગી પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિષ્ઠા અને લોકોનો તેમના પ્રત્યેનો સ્નેહભાવ રહેલો છે. તેથી કાઉન્સિલરોએ સજાગ બની પુરી નિષ્ઠા સાથે નવા દીવના નિર્માણ માટે કમર કસવી પડશે.
અત્રે નોંધનીય છે કે, દીવના લોકો હવે ખુબ જાગૃત બન્યા છે. પોતાનું હિત અને અહિત સમજતા થયા છે. કોઈના ભ્રામક પ્રચારમાં ભરમાઈ એવી પ્રજા હવે રહી નથી. છતાં કેટલાક તત્ત્વો યેનકેન રીતે શાંત પાણીમાં પથ્થર નાખી તરંગો પેદા કરવાનું કામ કરશે જ, પરંતુ પ્રજાએ જ્યારે વિકાસની રાજનીતિ ઉપર મહોર મારીછે ત્યારે નવા દીવના નિર્માણને કોઈ રોકી શકવાનું નથી.
આજે દમણ અને દાદરા નગર હવેલી પણ વિકાસની દૃષ્ટિએ ખુબ જ આગળ નીકળી ગયું છે. ફક્ત મુખ્ય અને આંતરિક રસ્તાઓની સમસ્યા છે, પરંતુ આવતા દિવસોમાં પ્રદેશના તમામ જિલ્લાના મુખ્ય અને આંતરિક રસ્તાઓ ઓલ સિઝન વપરાશમાં આવે તે પ્રકારના બનવા જઈ રહ્યા છે. ત્યારે આવતી કાલના ઉજળા ભવિષ્ય માટે આજે તકલીફ વેઠવી પડશે અને છેલ્લા 6 વર્ષમાં પ્રદેશ સાક્ષી રહ્યો છે કે જે પણ પ્રોજેક્ટ થયા છે તે સુંદર ટકાઉ અને આપણી કલ્પના બહારના થયા છે. તેથી પ્રશાસન ઉપર વિશ્વાસ રાખવો પણ તેટલો જ જરૂરી છે.
એક્સ્ટ્રા કોમેન્ટ
દીવ નગરપાલિકાની કુલ 13 બેઠકો પૈકી 6 બેઠકો ભાજપને બિનહરિફ મળી હતી. એટલે કે, કુલ બેઠકોની 46 ટકા બેઠક ભાજપે ચૂંટણી વગર જ કબ્જે કરી હતી અને 54 ટકા બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી. જો તમામ બેઠકો સમરસ એટલે કે, બિનહરિફ ભાજપના ખાતામાં ગઈ હોત તો કેટલાક વિઘ્નસંતોષીઓ ઘાંટા પાડી પાડીને કહેતે કે આ તો ફિક્સિંગ થયું છે અથવા ધાકથી બેઠકો મળી છે. પરંતુ 54 ટકા બેઠકો ઉપર થયેલા મતદાનમાં બાકીની તમામ એટલે કે, સો એ સો ટકા બેઠક ભાજપને લોકોએ આપી છે તેથી બિનહરિફ બેઠક નહીં મળી તે ભાજપ માટે પણ સારૂં થયુંછે.