(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના દશ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે દમણગંગા નદી છલકાઈ હતી. અથાલ બ્રિજ પાસે પાણીનું લેવલ ત્રીસ મીટરથી વધુ થતા રિવર ફ્રન્ટ પણ ડુબી ગયો હતો અને સેલવાસ -નરોલી રોડ એક તરફનો બ્રિજ વાહનની અવરજવર માટે બંધ કરવા ફરજ પડી હતી. ગામડાઓમાં પણ કેટલાક નીચાણવાળા પુલ પણ ડુબાણમાં ગયા હતા. સતત ભારે વરસાદના કારણે દૂધની, રુદાના, દપાડા અને સુરંગી ગામે રસ્તાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા જેને ખાનવેલ ફાયર વિભાગની ટીમે કટર વડે કાપી દુર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો. સેલવાસમાં ચોવીસ કલાકમાં 209એમએમ આઠ ઇંચથી વધુ વરસાદ પડયો છે અને સિઝનનો કુલ વરસાદ 1037.2એમએમ 41.48ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 72.85 મીટર છે. ડેમમાં પાણીની આવક 161502 ક્યુસેક છે અને ડેમના દશ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણીની જાવક 147422 ક્યુસેક છે.સેલવાસ-નરોલી રોડ અથાલ બ્રિજ પાસે પાણીનું લેવલ 30.380 મીટર છે. ભારે વરસાદને કારણે અને દમણગંગા નદીમાં પાણીની આવક વધવાને કારણે પ્રશાસન દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
Previous post