વિદ્યાર્થીની નવતાલ ગામે માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ દાદા-દાદી પાસે રહે છે : અતિવૃષ્ટિમાં ઘર તણાઈ ચૂક્યું હતું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: દક્ષિણ ગુજરાતમાં વરસાદે જન-જીવન તહસનહસ કરી દીધું છે. અનેક ગામોમાં પરિવારો, ઢોર-ઢોખર, ઘર-બાર વિહોણા વરસાદે કરી દીધાની અનેક કરૂણતા ભરેલી દાસ્તાનો સર્જાઈ છે. માનવી કુદરત સામે લાચાર બની મુકસ્થિતપ્રજ્ઞ બની બેહાલી જીરવતો રહ્યો છે. તેવી એક કરુણસભર ઘટના વાંસદાના નવતાલ ગામે ઘટી હતી. ધો.10મા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ઘર અતિવૃષ્ટિમાં પડી ગયું હતું. સરસામાન રાચ-રચીલું વરસાદમાં તણાઈ જતા વિદ્યાર્થીની બેઘર બની ગઈ હતી. તેની જાણએ જ્યાં અભ્યાસ કરતી હતી તે વાંસદાવનવિદ્યાલય હાઈસ્કૂલને થઈ હતી. શાળા પરિવારે ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય પોતાની સ્કૂલની ગરીબ પરવશ બનેલી વિદ્યાર્થીનીની સહાય માટે દોટ મુકી હતી.
વાંસદા વનવિદ્યાલયમાં નવતાલ ગામની આદિવાસી ગરીબ કન્યા મમતા નવિનભાઈ કુવાટી ધો.10મા અભ્યાસ કરે છે. અતિવૃષ્ટિમાં તેનું ઘર-સરસામાન તણાઈ ગયો, ઘર પડી ગયું. આ ઘટનાની જાણ શાળા પરિવારને થતાની સાથે માનવતા નહી ઉચ્ચ ફરજનિષ્ઠા શાળા પરિવારે ઉપાડી લીધી. શાળાના આચાર્ય ડો.કલ્પેશભાઈ ઠાકોરના નેતૃત્વ નીચે શિક્ષકો, શિક્ષિકાઓ વરસતા વરસાદમાં ઘરવખરી, જરૂરી અનાજ-પાણી, કપડા, વાસણો, ગેસ ચુલો જેવી ચીજવસ્તુઓ લઈ નવતાલ ગામે દોડી ગયો. વિદ્યાર્થીની મમતા માતા, પિતાનું છત્ર ગુમાવી ચૂકી છે. દાદા-દાદી પાસે રહે છે. આ વિગતો શાળા પરિવાર જાણતો હતો તેથી મદદે પહોંચી ગયો. મમતાએ કલ્પાના પણ નહી કરી હોય તેમ તેની શાળાનો સ્ટાફ તેના દુઃખમાં ભાગીદાર બની હુંફ આપી ત્યારે પ્રોઢ દાદા-દાદીના આંખના ખુણા ભીના થઈ ગયા હતા. ખરા અર્થમાં શિક્ષણ સંસ્થા સરસ્વતિ ધામે માનવતાની કોઈપણ પ્રસિધ્ધિની ખેવના વગર એક ઉદાહરણીય માનવતાની મિશાલ પુરી પાડી હતી.