કામની ગુણવત્તા સામે ઉભા થયેલા અનેક સવાલો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: મજીગામમાંથી પસાર થતી માઈનોર કેનાલમાં નવીનીકરણના કામમાં કપચીના હાડપિંજર દેખાવા સાથે થીંગરા મારવાની નોબત આવતા કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
ચીખલીના અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી ચાસા, વાંઝણા, તલાવચોરા, મજીગામ સહિતના ગામોમાંથી પસાર થતી માઈનોર કેનાલની સપાટીને સિમેન્ટ કોન્ક્રીટ વાળી પાકી બનાવવાનું કામ બે કરોડ રૂપિયાથી વધુને ખર્ચે હાલ ચાલી રહ્યું છે. નહેરની સપાટી પાકી બનતા પાણીનો વ્યય ઘટવા સાથે ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા દર વર્ષે તબક્કા મુજબ આ કામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
પરંતુ સરકારની ગ્રાંટને અધિકારીઓનું ગ્રહણ લાગી જતું હોય તેમ કામમાં નકરી વેઠ ઉતારી તકલાદી કામ કરાતા કામ પૂર્ણ થયાના ટૂંકા ગાળામાં જ નહેરની સપાટીમાં તિરાડો પડવા સાથે કપચી, રેતી સહિતનું માલ સમાન બહાર આવી જતું હોય છે. આ કારભારમાંખેડૂતોને લાભ થવાના સ્થાને લાંચિયા અધિકારીઓના જ ખિસ્સા ભરાતા હોય છે.
હાલે મજીગમમાંથી પસાર થતી નહેરની સપાટીને પાકી બનાવવાનું કામ પ્રગતિમાં છે. પરંતુ આ તાજા કામમાં જ કપચીના હાડ પિંજર દેખાઈ રહ્યા છે. કોન્ક્રીટ મિક્ષની ડિઝાઈનમાં નિયત કરાયેલ સિમેન્ટનું પૂરતું પ્રમાણ ન જાળવી સિમેન્ટનો ઓછો ઉપયોગ અને રેતી, કપચીનું પ્રમાણ વધારે રાખી કોન્ક્રીટનો માલ તૈયાર કરાતા આવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેમ લાગી રહ્યું છે. વધુમાં સબંધિત ઈજનેરોની પૂરતી દેખરેખનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ પ્રકારે તકલાદી કામ થતા આ નવા કામમાં થીંગરા મારવાની પણ નોબત આવી છે. ત્યારે કોન્ક્રીટની ગુણવત્તાની જાડાઈ સહિતની તમામ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવે તેમ છે. ખરેખર અંબિકા ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એજન્સીને મોકળું મેદાન ન મળે તે રીતે સુપરવિઝન ગોઠવી કામની ગુણવત્તા જળવાઈ અને સરકારના કરોડો રૂપિયાના ખર્ચનો લાભ ખેડૂતોને થાય તેની તકેદારી રાખી જવાબદાર ઈજનેરો સામે કાર્યવાહી કરવી જોઈએ.
અંબિકા સબ ડિવિઝન ચીખલીના નાયબ કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈના જણાવ્યાનુસાર કપચીવાળો માલ હોવાથી કપચી દેખાતી હશે અને જૂની લાઈનિંગમાં પેચ મરાયા હશે તો તેની તપાસ કરી માલ બદલાવી નાંખીશું.