મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે નવી દિલ્હીના પ્રાદેશિક અધિકારીની સ્પોટ મુલાકાત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિએ રોડોનું સત્યાનાશ વાળી દીધું છે. મીડિયાના જબરજસ્ત અહેવાલોનો પડઘો નવી દિલ્હીમાં પડયો છે. આજે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેના પ્રાદેશિક અધિકારીએ તાત્કાલિક વાપીમાં એન્ટ્રી લીધી હતી. પી.ડબલ્યુ.ડી. અને હાઈવે ઓથોરીટીના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. તમામ અધિકારીઓ સાથે ખરાબ રોડ રસ્તાઓ અંગે શું શું કામગીરી કરી અને શું કામગીરી કરવાના છો તેની સમીક્ષા કરી હતી. ઓફિસરની એન્ટ્રીના થોડા જ કલાકોમાં રોડ મરામતની કામગીરી આજને આજ હાથ ધરાઈ હતી.
વલસાડ જિલ્લામાં વાપી ધરમપુર રોડ અને ધરમપુર તરફ જતો રોડ નેશનલ હાઈવે 56 અને નેશનલ હાઈવે 48 ઉપર વરસાદે ખાના ખરાબી સર્જી છે. તેના વિસ્તૃત અહેવાલો પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થતાં રહેલા તેની સીધી અસર દિલ્હીમાં થઈ હતી. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે ઓથોરીટીના પ્રાદેશિક અધિકારીએ આજે વલસાડ જિલ્લામાં પીડબલ્યુડી અને હાઈવે ઓથોરીટીના અધિકારીઓને મળ્યા હતાઅને તૂટેલા રોડનું નિરીક્ષણ પણ કર્યું હતું તેમજ જરૂરી સૂચનો કરી સમીક્ષા કરી હતી. ખાડાઓની તાકીદે મરામત કરવાનો ઓર્ડર આપ્યો હતો. વાપી સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજી હતી. તેઓ ગુજરાત, દાનહ અને દમણનો હાઈવેનો હવાલો સંભાળે છે. ચોંકાવનારી બાબત તો એ રહી હતી કે, ઓફિસરનું નામ કોઈને ખબર નથી. આકસ્મિક મુલાકાત લીધી અને નિકળી ગયા હતા. અલબત્ત કલાકોમાં જ રોડ મરામતની કામગીરી જે તે વિભાગે હાથ ધરી હતી.