(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.24: નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલનો 23-ઓગસ્ટને શુકવારના રોજ જન્મ દિવસ હોય ત્યારે આ જન્મ દિવસને યાદગાર બનાવવા અનેક સેવાકિય પ્રવૃતિ તેમના દ્વારા કરવામાં આવી હતી. જેમાં સવારે ચીખલી તાલુકાના ધોલાર ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી લોકોને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. બીજી તરફ ચીખલી કોળી સમાજની વાડીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાતા 35-બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સાથે જ રક્તનું જીવનમાં કેટલું મહત્વ છે તેનું પણ એક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જે બાદ ચીખલીના ખૂંધ ગામે ચિલ્ડ્રન હોમ ખાતે બાળકોને કપડા વિતરણ અને ગણદેવી તાલુકાના ખેરગામ ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન તેમજ ધનોરી પ્રાથમિક શાળા અને નવસારીની નવા તળાવ પ્રાથમિક શાળા અને ચીખલી તાલુકાની વાંઝણા મુખ્ય પ્રાથમિક શાળા મળી અંદાજિત 500-જેટલા બાળકોને નોટબુક અને કંપાસ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ સતત બે દિવસસુધી અલગ અલગ સેવાકિય પ્રવૃત્તિ દ્વારા નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. ત્યારે વિવિધ કાર્યક્રમોમાં જિલ્લાભરના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી તેમને જન્મ દિવસની શુભકામના પણ પાઠવી હતી.
