કપરાડા, ધરમપુર, વલસાડ તાલુકાના કુલ 22 રસ્તા બંધ : વલસાડ-ગુંદલાવ ને જોડતો ઔરંગા પુલ બંધ કરાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16
વલસાડ જિલ્લામાં ફરી અતિવૃષ્ટિ થઈ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં તા.16 થી 17 ઓઘસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડશે તે મુજબ આજે મંગળવારે સતત આખો દિવસ વરસાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં પડયો છે. અતિવૃષ્ટિ ઉપરવાસના વરસાદથી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા વહીવટી તંત્રએ યલો એલર્ટ જાહેર કરીનેએન.ડી.આર.એફ.ની એક ટીમ સ્ટેન્ડ બાય કરી છે તેમજ જોખમ સર્જી શકે તેવા જિલ્લાના કુલ 22 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
વરસાદની બીજી ઈનીંગ ફરી પણ વલસાડ શહેર ઉપર પુરનું જોખમ તોળાઈ રહ્યું છે. વલસાડની લોકમાતા ઔરંગા નદી પરનો કૈલાસ રોડથી ગુંદલાવને જોડતો પુલ બંધ કરાવાયો છે તેમજ પોલીસ તહેનાત કરી દેવાઈ છે. જિલ્લાની મુખ્યત્વે ઔરંગા, કોલક, પાર અને દમણગંગા નદીની સપાટી વધી રહી છે તેથી વહીવટી તંત્રએ નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની તાકીદ પણ કરી છે. ફરીવાર પુર આવે તેવી ભીતી સર્જાતા કપરાડાના 12, ધરમપુરના 7 અને વલસાડના 3 મળી કુલ જિલ્લાના 22 રોડ બંધ કરાવી દેવાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ રહેવાનું જણાવાયું છે. આજે સાંજ સુધીમાં જિલ્લાની તમામ નદીઓની સપાટી વધી રહી છે. હજુ આવતીકાલે તા.17 ઓગસ્ટે પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી છે તેથી ફરી વલસાડ જિલ્લો અતિવૃષ્ટિમાં સપડાઈ રહ્યો છે. બીજી તરફ મધુબન ડેમમાંથી પણ ઉપરવાસના વરસાદને લઈ 50 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.