નવી હોસ્પિટલ હેલ્થકેરના ક્ષેત્રમાં સબકા પ્રયાસની ભાવનાને મજબૂત બનાવે છેઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
શ્રીમદ્ રાજચંદ્ર મિશને આદિવાસી વિસ્તારોમાં સેવાની ધૂણી ધખાવી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
રૂા.110 કરોડના ખર્ચે નિર્માણ થનાર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમન અને એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: ‘જેનુ કર્તવ્ય અને ગુરૂધર્મ જીવીત રહે છે તે અમર રહે છે, જેના કર્મ અમર રહે તેની ઊર્જા અને પ્રેરણા પેઢીઓ સુધી સમાજની સેવા કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન એ શાશ્વત ભાવનાનું પ્રતિક છે. આજે ધરમપુરમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણની સાથે એનિમલ હોસ્પિટલ અને સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમનનો શિલાન્યાસ પણ કરાયો છે. જેનાથી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને લાભ થશે. શ્રીમદ રાજચંદ્રએ મૂકસેવકની જેમ સમાજ સેવાના જે બીજ વાવ્યા હતા તે આજે વટવૃક્ષ બન્યા છે’ ઉપરોક્ત પ્રેરક શબ્દો વલસાડ જિલ્લાના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા રૂ. 200 કરોડના ખર્ચે નિર્માણ થયેલી 250 બેડની મલ્ટિ સ્પેશિયાલિટી શ્રીમદ રાજચંદ્ર ચેરિટેબલ હોસ્પિટલનું વર્ચ્યુઅલીઉદ્ઘાટન કરતી વેળા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉર્ચ્ચાયા હતા.
પ્રધાનમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, શ્રીમદ્ રાજચંદ્ર મિશન સાથે મારો જૂનો સંબંધ છે, હું દાયકાઓ પહેલા ધરમપુર અને સિદુમ્બરમાં આવતો ત્યારે આપ સૌની વચ્ચે રહેતો હતો. આ મહાનભૂમિ, આ પૂણ્યભૂમિએ આપણને જેટલું આપ્યુ છે તેનું એક અંશ પણ આપણે સમાજને પરત કરીએ તો સમાજમાં ખૂબ જ તેજીથી બદલાવ આવે. જેનાથી દેશ પણ મજબૂત બને છે. હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ગ્રામીણ વિસ્તારોમાં ઉત્તમ સેવા આપવા જઈ રહ્યું છે. જે આઝાદીના અમૃત મહોત્સવમાં ભારતને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સશક્ત બનાવશે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સેવાની જયોત જલાવનાર આશ્રમના ગુરૂદેવ રાકેશજી, સમગ્ર મિશન અને સેવકોને અભિનંદન પાઠવું છું, ગુરૂદેવના નેતૃત્વમાં ગ્રામીણ વિસ્તારોમાં રાજચંદ્ર મિશન પ્રશંસનીય સેવા કાર્ય કરી રહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર એક દિવ્ય પુરૂષ હતા, એક યુગપુરૂષ હતા. ગાંધીજી કહેતા હતા કે, આપણે કેટલાય જન્મો લેવા પડશે પરંતુ શ્રીમદ્ રાજચંદ્ર માટે એક જ જીવન કાફી છે. ગાંધીજી આધ્યાત્મિક ચેતના શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી લેતા હતા. દેશ તેમનો ઋણી છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન મહિલા સશક્તિકરણમાં યોગદાન આપી આદિવાસી બહેનોનું જીવન વધુ સમૃધ્ધ બનાવીરહ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, જેમણે મહિલાઓ, આદિવાસી લોકો અને વંચિત વર્ગના સશક્તિકરણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેઓ દેશની ચેતનાને જીવંત રાખી રહ્યા છે. મહિલાઓ માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપનાના રૂપમાં એક મોટા પગલાંનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, શ્રીમદ રાજચંદ્રજી શિક્ષણ અને કૌશલ્ય દ્વારા દીકરીઓના સશક્તિકરણ માટે ખૂબ જ આગ્રહી હતા. તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશની મહિલા શક્તિને રાષ્ટ્રીય શક્તિના રૂપમાં આગળ લાવવાની જવાબદારી આપણા સૌની છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, શ્રીમદ્ રાજચંદ્ર મિશન આદિવાસી વિસ્તારોમાં સેવાની ધૂણી ધખાવી છે. માનવથી માંડીને પશુઓ માટે સેવા અને દયાની પ્રેરણા શ્રીમદ્ રાજચંદ્રએ આપી છે. આ મિશને આધ્યાત્મિકતાના દ્વાર ખોલ્યા છે. ગુરૂદેવ રાકેશજીની પ્રેરણાથી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અદકેરૂ તીર્થ સ્થાન બન્યુ છે. જેઓ આધ્યાત્મિકતાની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે. અવિરત વિકાસયાત્રાએ ગુજરાતને વિશ્વ ફલક પર મુક્યું છે. ગુજરાત સૌના સાથ અને સૌના વિકાસનું મોડલ બન્યું છે. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ હર ઘર તિંરગા અભિયાનમાં સામેલ થઈ સૌને ઘરે, દુકાન, ઓફિસમાંતિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો.
આ પાવન પ્રસંગે રાજયના નાણા,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, શ્રીમદ્ રાજચંદ્રજીએ ગાંધીજીને આધ્યાત્મિકતાનું જ્ઞાન આપી આપણને રાકેશજી જેવા ગુરૂ આપ્યા છે જેઓએ આદિવાસી વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ કરી નાનામાં નાના વ્યકિતને સારવાર મળે તે માટે પ્રયાસ કર્યા છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના ગુરૂદેવશ્રી રાકેશજીએ આશીર્વચન આપતા જણાવ્યું કે, દેશની નિરંતર સેવામાં લીન મોદીજીએ લોક કલ્યાણના કાર્યોમાં જીવન સમર્પિત કર્યું છે જે બદલ માત્ર શ્રીમદ રાજચંદ્ર મિશન જ નહીં પરંતુ ભારતવર્ષની જનતા જનાર્દન પણ આભારી છે. હર ઘર તિરંગા અભિયાનમાં પણ મિશન કટિબધ્ધ છે.
ઉદ્ઘાટન સમારોહમાં હાજર નવસારીના સંસદ સભ્યશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ ચાલુ કરી તે મહત્વનું છે પણ તેથી પણ વધુ મહત્વનું એ છે કે આ હોસ્પિટલમાં એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના નિઃશુલ્ક સારવાર મળે તે મહત્વનું છે. વર્ષ 2004માં 40 બેડથી શરૂ થયેલી આ હોસ્પિટલ હવે 250 બેડની થઈ છે. રાજચંદ્ર મિશને ગરીબ આદિવાસી વિસ્તારમાં નિઃશુલ્ક અને અત્યાધુનિક સુવિધા સાથેની હોસ્પિટલ શરૂ કરી ઈતિહાસ સજર્યો છે. શ્રી પાટીલે વધુમાં જણાવ્યું કે,આદિવાસીઓ પાસે ગાય ભેંસ હોઈ તો તેમને સમય પર યોગ્ય સારવાર ન મળવાને કારણે મૃત્યુ થાય તો મોટુ નુકશાન થાય છે તેથી રાજચંદ્ર મિશન દ્વારા એનિમલ હોસ્પિટલ શરૂ કરવામાં આવનાર છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક્સેલેન્સ સેન્ટર શરૂ થનાર છે.
આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રૂા. 70 કરોડના ખર્ચે નિર્માણ થનાર 150 વોર્ડની એનિમલ હોસ્પિટલ અને રૂા. 40 કરોડના ખર્ચે સાકાર થનાર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વૂમનનો શિલાન્યાસ પણ કરાયો હતો. શ્રીમદ્ રાજચંદ્ર મિશનને હોસ્પિટલ સહિતના વિવિધ પ્રકલ્પો સાકાર કરવા માટે ઉદાર હાથે દાન કરનાર દાતાઓનું પણમુખ્યમંત્રીશ્રી અને નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં વલસાડ જિલ્લા પ્રભારી અને અન્ન નાગરિક પુરવઠા અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી, રાજ્ય કક્ષાના કૃષિ અને ઊર્જા મંત્રી મુકેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, શ્રીમદ રાજચંદ્ર મિશનના ટ્રસ્ટી અભયભાઈ જસાણી સહિત ટ્રસ્ટી મંડળના સદસ્યો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાંશુ સુવિધાઓ હશે
- 24 કલાક તબીબી અને નિદાન સેવાઓ
- 6 આધુનિક ઓપરેશન થિયેટર
- 26 બેડથી સુસજ્જ નવજાત શિશુ ઘનિષ્ઠ સારવાર વિભાગ(એનઆઈસીયુ)
- એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી માટે કેથ લેબ સહિત કાર્ડિયાક વિભાગ
- એમઆરઆઈ, સીટી સ્કેન, બોન મિનરલ ડેન્સિટોમીટર, મેમોગ્રાફીથી સુજ્જ રેડિયોલોજી વિભાગ
- ન્યુરોલોજી, ઓન્કોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ગાયનેકોલોજી અને ઓર્થોપેડિક્સ
- અત્યાધુનિક ફિઝિયોથેરપી-એક્વાથેરપી, રોબોટિક્સ
- ગુજરાતમાં બાળકો માટેનું સૌપ્રથમઅર્લી ઈન્ટર્વેન્શન સેન્ટર
- વિકલાંગ બાળકો માટે રમત ગમતનો બગીચો