(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : સેલવાસના નરોલી રોડ પર અટલ ભવનની બાજુમાં આવેલી કમલ પાઠકની ચાલની બંધ રૂમમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાની વાત આજુબાજુ પ્રસરતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર મનોજ જગદીશભાઈ કામત (ઉ.વ.55) જેઓ રૂમ નંબર 506, કમલ પાઠકની ચાલ-સેલવાસમાં રહેતો હતો, જેમનો છેલ્લા બે દિવસથી રૂમ અંદરથી બંધ હતો અને ટીવી ચાલુ જ રહ્યું હતું. આજે રવિવારે રૂમમાંથી વાસ આવતા આજુબાજુના લોકોએ રૂમ માલિકને જાણ કરી હતી, પરંતુ રૂમ માલિક ગામ બહાર હોવાથી મનોજભાઈની દીકરીને ટેલિફોનિક જાણ કરી હતી અને જણાવાયું હતું કે, આપના પિતાશ્રી રૂમ ખોલતા નથી. ત્યારબાદ સેલવાસ પોલીસને આ ઘટના અંગે જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રૂમ ખોલીને તપાસ કરતા વાસ મારતો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં પગ લપસી જવાથી માથાના ભાગે ઇજા થવાથી મૃત્યુ થયુ હોવાનું અનુમાન છે. સેલવાસ પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ(પી.એમ.) માટે મોકલી આપી હતી. આ ઘટનામાં વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.
