આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ગુજરાતનું મહત્વનું પગલું: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી,તા.05: “કૃષિ ક્ષેત્રમાં અધ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ” ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે શુભારંભ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ઓછા સમયમાં ઓછા ખર્ચે ખેતીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી ખેડૂતોની આવકમાં વધારો કરી સમય અને શ્રમનો ઘટાડો કરવાના નવતર અભિગમના ભાગરૂપે નવસારીના નાગધરા ગામે આજરોજ કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે તેવા શુભ આશયથી ડ્રોન ટેક્નોલોજી દ્વારા ઈફ્કો નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો હતો. હવે માત્ર ૨૦ મિનીટમાં ૧ હેક્ટર જેટલા વિસ્તારમાં માત્ર ૨૫ લીટર પાણી દ્વારા દવાનો છંટકાવ શક્ય બનશે. જેથી ખેડૂતોનો ખર્ચ અને સમય પણ બચશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, કૃષિ ખાતાના અધિકારીઓ તથા અન્ય મહાનુભાવો અને ખેડૂતો હાજર રહ્યા હતા.