-
મહિલા વિભાગમાં મેન્ડુ અકાદમીની ટીમ ચેમ્પિયનઃ રનર્સ અપ બનેલી હેડ ઓફ સ્પોર્ટ્સની ટીમ
-
દોરડાખેંચની સ્પર્ધામાં વિજેતા અને ઉપ વિજેતા રહેલી ટીમ 15મી ઓગસ્ટે દમણ ખાતે યોજાનારી પ્રદેશ સ્તરીય સ્પર્ધામાં દમણનું પ્રતિનિધિત્વ કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11: સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનના ઉપલક્ષમાં પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ડાયરેક્ટર શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન તા.11થી 17 ઓગસ્ટ, 2022 સુધી દમણ જિલ્લાના ત્રણ અલગ અલગ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી રહ્યું છે. જેમાંખેલાડીઓ માટે ટગ ઓફ વોર, વોલીબોલ, ફૂટબોલ, મેરેથોન, સાયકલ રેસ, મ્યુઝિકલ ચેર, સૈક રેસ જેવી 8 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે 11મી ઓગસ્ટના રોજ મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટનું ઉદ્ઘાટન પ્રવાસન અને ખેલ વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાએ કર્યું હતું. તેમણે આયોજનની રૂપરેખા પણ બતાવી હતી.
આજે આયોજીત ટગ ઓફ વોર (દોરડાખેંચ) સ્પર્ધામાં પુરૂષ વિભાગમાં 18 અને મહિલાઓની સ્પર્ધામાં 11 ટીમોએ ભાગ લીધો હતો.
આ ટૂર્નામેન્ટમાં પુરૂષ વિભાગમાં હેડ ઓફ સ્પોર્ટ્સ ચેમ્પિયન બની હતી જ્યારે રનર્સ અપ ટીમ અસ્પી ઈલેવન રહી હતી. ત્રીજા સ્થાને માછી મહાજનની ટીમ આવી હતી.
મહિલા વિભાગમાં મેન્ડુ અકાદમીની ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે રનર્સ અપ હેડ ઓફ સ્પોર્ટ્સ રહી હતી. તૃતિય સ્થાને કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલ રહી હતી.
જિલ્લા સ્તરથી ટગ ઓફ વોર સ્પર્ધામાં ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને 15મી ઓગસ્ટે દમણ ખાતે યોજાનાર સંઘપ્રદેશ સ્તરીય ટગ ઓફ વોર સ્પર્ધામાં દમણનું પ્રતિનિધિત્વ કરશે.