સર્વિસ રોડ જાણે ગેરેજવાળા માટે બનાવાયો હોય તેમ વાહનોનો જમાવડો થઈ રહ્યો છે
(વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વાપી બલીઠા પુલથી બ્રહ્મદેવ મંદિર સુધી હાઈવે સર્વિસ રોડ ઉપર વારંવાર અકસ્મોત થતા રહેતા હતા તેથી સર્વિસ રોડને પહોળો કરીને તાજેતરમાં નવિનિકરણ કરવામાં આવેલ છે. પરંતુ વાહનો પાર્કિંગનો સર્વિસ રોડ અડ્ડો બની ગયો. જાણે નવો રોડ ગેરેજવાળા માટે બનાવ્યો હોય તેમ 24 કલાક વાહનોનો જમાવડો યથાવત થતો રહ્યો હતો. તેથી પોલીસે પાર્ક કરેલા વાહનોની હવા કાઢી વાહનો પાર્ક ના થાય તેવા પગલાં ભર્યા હતા પરંતુ સ્થિતિ ઠેર ના ઠેર થઈ જવા પામી છે.
બલીઠા હાઈવે સર્વિસ રોડ બન્ને સાઈડ સેંકડો વાહનો નિયમિત પાર્ક થતા રહ્યા છે. રાત્રે ડ્રાઈવરો ટ્રકો પાર્ક કરી પોતાની રૂમોમાં સુવા જતા રહે છે. જેનો ફાયદો તસ્કરો ઉઠાવ્યો હતો. રાત્રે પાર્ક કરેલ ટ્રકોમાં સામાન ચોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કેટલાક ટ્રક ચાલક ટ્રકમાં જ સુતા હતા તેથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. તેથી ટ્રક પાર્કિંગ અટકાવવા પોલીસે વાહનોની હવા કાઢી નાખેલ પરંતુ કોઈ ફરક પડયો નથી. આજકાજ સ્થિતિ યથાવત જ છે. ફરી ટ્રકો પાર્કિંગનો જમાવડો થઈ રહ્યો છે. સર્વિસ રોડ નવો બનતા ગ્રામજનો ખુશ થયા હતા. પરંતુ જે હેતુ માટે નવો રોડ બનાવાયો છે તે હેતુ પાર નહી પડતા ગ્રામજનો પણ નારાજ થઈ ગયા છે.