જાહેર રોડ ઉપર મળેલા વાછરડાના શબ અંગેનું સસ્પેન્સ બરકરાર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12
વાપી જીઆઈડીસીમાં આજે સવારે જાહેર રોડ ઉપર કોથળામાં ભરેલ નાની વાછરડીનું ફેંકાયેલ શબ મળી આવતા ભારે ઉત્તેજના ફેલાઈ જવા પામી હતી.
વાપી જીઆઈડીસીના સેકન્ડ ફેઈઝ વિસ્તારમાં સવારે લોકોની અવર જવર ચાલુ થઈ ત્યારે રોડઉપર બંધ કોથળો જાહેરમાં પડેલો જોવા મળ્યો હતો. કોથળાને લઈ લોકોમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ રસ્તા ઉપર પડેલા કોથળાને ખોલવામાં આવ્યો હતો. ખુલ્યા બાદ હાજર સૌ કોઈ ચોંકી ગયા હતા. બંધ કોથળામાં એક દોઢ મહિનાની વાછરડીનું શબ મળી આવેલ. વાછરડીનું શબ જાહેરમાં કેવી રીતે આવ્યું? તે પોલીસ માટે પણ તપાસનો વિષય બનતા શબ અંગેની તપાસ હાથ ધરાઈ હતી.