દેશના વિકાસમાં તમામ નાગરિકોએ સહભાગી બનવા જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલની હાકલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દમણ જિલ્લા પંચાયત ખાતે 76મા સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી અને પ્રદેશની તમામ જનતાને સ્વંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે જિ.પં. પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આઝાદી માટે દેશના અનેક નામી-અનામી વીર સપૂતોએ વર્ષો સુધી અતિ કઠીન યાતનાઓ વેઠી પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું અને તે સૌના અથાક પ્રયાસો થકી જ આપણને મહામૂલ્ય સ્વતંત્રતા મળી છે. ત્યારે આજના દિવસે તે તમામ વીર સપૂતોને નતમસ્તક વંદન કરીએ.
શ્રી નવિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર પ્રજા પર શાસન કરવા માટે નથી પરંતુ પ્રજાની સેવા માટે છે. તેવો વિચાર આપનારા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસન પણ વડાપ્રધાનશ્રીના આવિચારને આત્મસાત કરવાને લોક કલ્યાણના કાર્યો અને વિવિધ યોજનાઓ થકી સેવા કરી રહી છે. આજના પાવન પ્રસંગે ઉપસ્થિત સૌને દેશના જવાબદાર નાગરિક બનીને દેશના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે કટિબધ્ધ બનવા માટે જિ.પં. પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે દમણના સૌ નાગરિકોને આહવાન કર્યું હતું.