દમણ-દીવના માછીમારોની લાગણીથી કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાને અવગત પણ કરાયા, પાઠવેલું આવેદનપત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18: આજે દિલ્હી ખાતે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસરમાં કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યપાલન વિભાગના કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રીય પશુપાલન અને ડેરી તથા રાષ્ટ્રીય ફિશરીઝ બોર્ડના ચેરમેન શ્રી પુરષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડના સભ્ય શ્રી મનિષભાઈ બાબુભાઈ ટંડેલે પણ ભાગ લીધો હતો.
આ બેઠકમાં સંબંધિત વિભાગના દરેક મંત્રીઓ, સચિવો અને મત્સ્ય વિભાગના કમિશ્નર પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને 15 સભ્યોની ટીમે પણ ભાગ લીધો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડના સભ્ય શ્રી મનિષભાઈ બાબુભાઈ ટંડેલે દમણ-દીવના માછીમારોની સમસ્યા અને વિવિધ માંગણીઓ આજની બોર્ડ મીટિંગમાં રજૂ કરી હતી. તેમણે રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડના ચેરમેન શ્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રત્યક્ષ મુલાકાત કરી તેમને દમણ-દીવના માછીમારોની સમસ્યાથી પણ માહિતગાર કર્યા હતા અને આ સંદર્ભમાં એકઆવેદનપત્ર પણ પાઠવ્યું હતું.