કપરાડાના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો ચોમાસામાં દયનીય હાલતોના ભોગ બનતા રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: કપરાડા તાલુકો એટલે વલસાડ જિલ્લાનું ચેરાપુંજી. આ વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડે છે. વરસાદ તેમના માટે આશિર્વાદરૂપ કરતા શાપરૂપ વધારે બની રહે છે. કારણ કે ચોમાસામાં અનેક કોઝવે, ચેકડેમ, પુલો, રસ્તાઓના ધોવાણ થઈ જતા હોય છે. પરિણામે વિપરીત સ્થિતિનો સામનો મોટા ભાગના વિસ્તારના લોકો કરતા આવ્યા છે. તેનુ જીવંત ઉદાહરણીય ઘટના કપરાડાના વાવર ગામે ઘટી છે. ગામમાં મૃત્યુ થતા અંતિમ યાત્રા સ્મશાને પહોંચવા માટે ધસમસતા કોઝવે ઉપરથી જીવના જોખમે ચાલીને ગ્રામજનોએ કાઢી હતી.
કપરાડાવિસ્તારમાં વરસતા અતિશય વરસાદને આધિન અનેક વિષમ સ્થિતિઓ પ્રત્યેક ચોમાસામાં થતી હોય છે. અનેક ગામોના રોડ, રસ્તા, કોઝવેના ધોવાણો થતા સંપર્ક તૂટી જતા હોય છે. કપરાડાના વાવર ગામ પાસે આવેલ કોઝવે ઉપર વહી રહેલા પાણીને લઈ સ્મશાનનો સંપર્ક તૂટી ગયો છે. આજે રવિવારે ગ્રામજનોને અંતિમ યાત્રા કોઝવે ઉપર પાણીમાં જીવના જોખમે કાઢવી પડી હતી. આઝાદી ના 75 વર્ષનો દેશ અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે પરંતુ કપરાડા અંતરિયાળ વિસ્તાર આજે પણ પ્રાથમિક અનેક સુવિધાઓથી વંચિત છે. આ વિસ્તાર ડગલ પગલે અસહ્ય લાચારીનો ભોગ બની રહ્યો છે.
—–