Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્‍યકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી

જિલ્લામાંથી 3 વર્ષ બાદ આ એવોર્ડ માટે શિક્ષકોની પસંદગી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23:સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર તરફથી દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ માટે રાજ્યના ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરાઈ હતી, જેમાં ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ વલસાડ જિલ્લાના બે શિક્ષકો ધરમપુર તાલુકાના માલનપાડાની નવીનગરી પ્રાથમિક શાળા મુખ્યશિક્ષકશ્રી મહેન્દ્રસિંહ પરમાર અને વલસાડ તાલુકાની બાઈ આંવા બાઈ હાઈસ્કુલના વ્યાયામ શિક્ષકશ્રી ધનસુખભાઈ ટંડેલની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો માટે પસંદગી કરવામાં આવી છે. મહેન્દ્રસિંહ પરમારની પ્રાથમિક શાળા કેટેગરીમાં અને ધનસુખભાઈ ટંડેલની માધ્યમિક શાળા કેટેગરીમાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ બન્ને શિક્ષકોને ૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ શિક્ષકદિનના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરાશે.
માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ પરમાર ૩૬ વર્ષની પ્રભાવી, નિર્વિવાદ અને ગૌરવશાળી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. તેમણે અત્યારસુધી ત્રણ પ્રાથમિક શાળાઓમાં ઉપશિક્ષક અને મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી છે. તેમજ તેમણે નવીનગરી પ્રાથમિક શાળાને સર્વભાગીદારીથી વર્ષ ૨૦૧૫-૧૬ અને વર્ષ ૨૦૨૧-૨૨માં સ્વચ્છતા એવોર્ડમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ પણ જીતાડ્યો હતો. વર્ષ ૨૦૨૧-૨૨માં ગુણોત્સવ ૨.૦ના દ્વિતિય સાયકલમાં શાળાને A+ ગ્રેડ મેળવવામાં તેમજ શાળાને પીળા સ્તરમાંથી ગ્રીન – ૧ સ્તરમાં સામેલ કરી અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રમાં ૮૭% સિદ્ધિ મેળવવામાં તેમનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેમને શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ ૨૦૧૮માં તાલુકા કક્ષાના અને વર્ષ ૨૦૧૯માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. વર્ષ ૨૦૨૦માં તેમને રાજ્યકક્ષાએ પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. તેઓ શેક્ષણિક કાર્ય સાથે લોકસેવામાં પણ અગ્રેસર છે, તેમણે ૨૪ રક્તદાન શિબીરોનું આયોજન કરી અત્યાર સુધી તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ૪૫૦થી વધુ બોટલ રક્ત એકત્રિત કર્યું છે.
માધ્યમિક શાળા કેટેગરીમાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા વલસાડની બાઈ આંવાબાઈ હાઈસ્કુલના વ્યાયામ શિક્ષક ધનસુખભાઈ ટંડેલ છેલ્લા ૨૦ વર્ષોથી વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પોતાના પિતાના જીવનથી પ્રેરણા લઈ તેમણે વ્યાયામ શિક્ષક બનવાનું સ્વપ્ન સેવ્યું હતું તેથી તેમણે વર્ષ ૧૯૯૧માં એમના કોલેજકાળ દરમિયાન N.C.C.ની “B” અને “C”ની અને વર્ષ ૧૯૯૩માં બી.પી.એડ.ની પરીક્ષા પાસ કરી હતી. તેમજ N.C.C.માં ઉત્કૃષ્ઠ દેખાવને કારણે તેમની પ્રજાસત્તાકદિન પ્રધાનમંત્રીની રેલીમાં ભાગ લેવા માટે પસંદગી કરાઈ હતી. વર્ષ ૨૦૦૨માં તેમની વલસાડની બાઈ આંવાબાઈ હાઈસ્કુલના વ્યાયામ શિક્ષક તરીકે નિમણૂંક થઈ હતી. તેમની અધ્યક્ષતામાં શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સફળતાઓ મેળવી છે. ધનસુખભાઈને વ્યાયામ શિક્ષક તરીકેના કાર્યકાળ દરમિયાન અધ્યાપન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ વર્ષ ૨૦૧૮માં તાલુકા કક્ષાના અને વર્ષ ૨૦૧૯માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ તેમને વર્ષ ૨૦૨૦માં આઈ.એન.એસ.સી. ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્કોલર શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક પણ એનાયત કરાયું હતું.
મહેન્દ્રસિંહ પરમાર અને ધનસુખભાઈ ટંડેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી થવા બદલ વલસાડ જિલ્લાના માધ્યમિક શિક્ષણ અધિકારીશ્રી કે.એફ.વસાવા અને પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી બી.ડી.બારીયાએ આનંદની લાગણી વ્યક્ત કરી બન્ને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

પારડી પોલીસ દ્વારા સર્વિસ રોડના વાહનો ખસેડાયા: છેલ્લા કેટલાક સમયથી થતી ટ્રાફિકની સમસ્‍યાનો અંત

vartmanpravah

સંવિધાનના કારણે જ માનવ અધિકારોનું ઉલ્લંઘન થતા બચ્‍યું છેઃ ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદાર

vartmanpravah

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

vartmanpravah

પારડી બી.આર.જે.પી. સ્‍કૂલમાં જન્‍માષ્ટમીની ઉલ્લાસ-ઉમંગથી કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

vartmanpravah

Leave a Comment