-
પ્રાકૃતિક ખેતી જ ઇશ્વરની પૂજા છે: રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત
-
આઝાદીના અમૃત વર્ષે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના સંકલ્પની સિદ્ધિ માટે ગુજરાતમાં જન અભિયાન ઉપાડ્યું છે
-
ગુજરાતના મહેનતુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી સમગ્ર દેશના પ્રેરણા સ્ત્રોત બને : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત
નવસારી/ગુરૂવારઃ- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ટાટા મેમોરીયલ હોલ, નવસારી ખાતે આર્યસમાજ ટ્રસ્ટ નવસારી અને ગુજરાત પ્રાકૃતિક વ સેન્દ્રિય કૃષિ વિદ્યાલય(યુનિવર્સિટી) દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહીને નવસારી જિલ્લાની વિવિધ ગામોની કૃષિ મહિલાઓ સાથે સીધો સંવાદ કરીને કહ્યુ હતુ કે, પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની માંગ છે. આ ખેતી જ ઇશ્વરની પૂજા અને પ્રકૃતિનુ રક્ષણ કરનારી છે.
આ અવસરે તેમણે સ્વામી દયાનંદ સરસ્વતિ દ્વારા કરવામાં આવેલ ઉત્તર ભારતમાં સામાજીક ક્રાંતિની વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ આઝાદીની લડતમાં કરવામાં આવેલી કામગીરી વિશે વિગતો આપી હતી અને આર્યસમાજ દ્વારા કરવામાં આવતી સામાજીક પ્રવૃતિઓનો ચિતાર આપ્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરી રહેલા ખેડૂતો અન્ય ખેડૂતો પણ આ ખેતીમાં જોડાય તે માટે પ્રેરણા સ્ત્રોત બને તેવો અનુરોધ કરી કહ્યુ કે, ગુજરાતના મહેનતુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને દેશના પ્રેરણાસ્ત્રોત બનશે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે આહવાન કર્યું છે. તેમના સંકલ્પને સિધ્ધ કરવા ગુજરાત રાજ્યે પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ઉપાડ્યુ છે. પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો આ સંકલ્પ એક વર્ષમાં પુર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
આજે આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે. તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતું કે, નિષ્ણાંતો માની રહ્યા છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ૨૪ ટકા ફાળો છે.રાસાયાણિક કૃષિને કારણે કેન્દ્ર સરકારને સબસીડી પાછળ અઢી લાખ કરોડ રૂપિયાનો આર્થિક બોજ સહન કરવો પડે છે. પ્રાકૃતિક કૃષિને કારણે આ નાણાંની બચત થશે. ત્યારે જંગલમાં વૃક્ષો અને વનસ્પતિમાં કોઈ ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી છતાં તેમનો વૃદ્ધિ-વિકાસ થાય છે, જંગલમાં જે પ્રાકૃતિક નિયમોથી વૃક્ષ, વનસ્પતિનો વિકાસ થાય છે તે જ રીતે ખેતરમાં ખેતી કરવામાં આવે તે જ પ્રાકૃતિક કૃષિ છે.
રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતો અને ખેતીની સમૃઘ્ઘિ માટે આશીર્વાદરૂપ જણાવી આ કૃષિ પધ્ધતિના સિધ્ધાંતો વિશે પણ સમજ આપતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ અને ગૌ-મૂત્રનો ઉપયોગ મહત્વનો છે, કારણ કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે. ગૌ –મૂત્ર, ખનીજોનો ભંડાર છે. જેના ભાગરૂપે બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. દેશી ગાયના છાણ, ગૌ-મૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત – ઘન જીવામૃત રૂપે કલ્ચર તૈયાર કરવામાં આવે છે. જે પ્રાકૃતિક ખાતર જેવું કાર્ય કરે છે. આ પધ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને ઢાંકવાની- મલ્ચીંગ પધ્ધતિનું પણ મહત્વ છે. મલ્ચીંગથી જમીનનું ઉંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે. જેથી આ પધ્ધતિમાં પાણીની પચાસ ટકા જેટલી બચત થાય છે. જમીનને ઢાંકવાથી અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનુંવાતાવરણ મળે છે.
ગુજરાતમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જાડાયાં છે તેનો ઉલ્લેખ કરી રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારની પ્રોત્સાહક નીતિને કારણે ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જનઆંદોલનને નવું બળ મળ્યું છે. ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ સંપન્ન જિલ્લો જાહેર થવાના કારણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા નવી પ્રેરણા મળી છે.
મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યપાલશ્રીએ ખેડૂતોની ચિંતા કરીને તેમના કાર્યકાળમાં ખેડૂત કલ્યાણની કામગીરીને પણ પ્રાધાન્ય આપ્યું છે. જે માટે રાજ્ય સરકાર વતી રાજ્યપાલશ્રીનો આભાર માનતાં મંત્રીશ્રીએ ખેડૂતોના હિતને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ સરકારે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સાથોસાથ તેમની આર્થિક ઉન્નતિ માટે અનેકવિધ પ્રયાસો કર્યા છે. ડાંગ પ્રાકૃતિક જિલ્લા તરીકે બહુમાન પામ્યો છે, ત્યારે રાજ્યના વધુમાં વધુ જિલ્લાઓ પણ પ્રાકૃતિક બને એવી સરકારની નેમ છે એમ જણાવી મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી કરી રહેલા મહત્તમ ખેડૂતોને સાંકળવાના સરકારના પ્રયાસોની વિગતો આપી હતી.
કાર્યક્રમ દરમિયાન રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્દહસ્તે ગૌપુજન, ગૌદાન, કૃષિ મહિલાઓનું સન્માન, આર્યસમાજના પુસ્તકનું વિમોચન, આર્યસમાજની ગૌશાળાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, ગુજરાત પ્રાકૃતિક વ સેન્દ્રિય કૃષિ વિદ્યાલયના વાઇસ ચાન્સલેર ડો.સી.કે.ટીમ્બડીયા, નિતી આયોગના વરીષ્ઠ સલાહકાર ડો.નિલમ પટેલ, નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર કુલપતિ ડો.ઝેઙ.પી.પટેલ, નવસારી આર્ય સમાજના અધ્યક્ષ રમણભાઈ મિસ્ત્રી તથા જિલ્લાના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.