(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.28 : આજે દમણ-દીવની સેવા સંસ્થા ‘આશા મહિલા ફાઉન્ડેશન’ના પ્રમુખ શ્રીમતી તરુણાબેન લાલુભાઈ પટેલની આગેવાની હેઠળ દીવ જિલ્લાની વણાંકબારા અને સાઉદવાડી ગ્રામ પંચાયતોમાં સ્વસહાય જૂથની મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે આ બંને પંચાયત વિસ્તારમાં8 જેટલી મહિલાઓને સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને અન્ય સ્થળોએ પણ આ કામગીરી ચાલુ રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્ની અને દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ તથા સેવાભાવી સંસ્થા ‘આશા મહિલા ફાઉન્ડેશન’ના પ્રમુખ શ્રીમતી તરૂણાબેન પટેલના હસ્તે આજે દીવના વણાંકબારા અને સાઉદવાડી ગ્રામ પંચાયતોની સ્વસહાય જૂથની 8 જેટલી મહિલાઓને ‘આત્મનિર્ભરતા’ માટે સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મશીનોના સહારે મહિલાઓ તેમની રોજી-રોટી રળી શકશે.
દીવ જિલ્લામાં આજે આયોજિત આ મશીન વિતરણ કાર્યક્રમમાં દીવ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકી, કાઉન્સિલર શ્રીમતી નીતાબેન સંદીપભાઈ, શ્રીમતી હર્ષિદાબેન, આગેવાન શ્રી સંદીપ જાદવ, શ્રી છગન બામણીયા અને સ્વસહાય જૂથની બહેનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.