-
સાંસદ કલાબેન ડેલકરે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગ કરેલી માંગ
-
દાનહની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે કાઉન્સેલરની નિમણૂંક કરવામાં આવેઃ સાંસદ કલાબેન ડેલકર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: દાદરા નગર હવેલીના સામરવરણી સ્થિત અવર લેડી ઑફ હેલ્પ ઇંગ્લિશસ્કૂલમાં સંચાલક અને શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે કરવામાં આવેલ દુષ્કર્મના મામલાને લઈ સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળ દ્વારા સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન સાંસદ, જિલ્લા પંચાયત અને નવ શક્તિ મહિલા સંગઠન દ્વારા અલગ અલગ પત્ર સોંપવામાં આવ્યા હતા. જેમાં આ પ્રકારના જઘન્ય કળત્યની નિંદા કરવામાં આવી હતી.
પાઠેવલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સાંસદ કલાબેન ડેલકરે આરોપીઓને વહેલામાં વહેલી સજા થાય અને ફરી વખત આવી કોઈ નિંદનીય અને જઘન્ય ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તે માટે આ ઘટના બાબતે તાત્કાલિક ચાર્જશીટ દાખલ કરી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ કરી છે. સાથે વિદ્યાર્થીઓ મુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટે પ્રદેશની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે મહિલા અને પુરુષ કાઉન્સેલરની નિમણૂક કરવાની ભલામણ કરી છે. આ કેસની તપાસ સંદર્ભે પૂરેપૂરો સહયોગ આપવાની સાથે સાંસદ કલાબેન ડેલકરે જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી કરવામાં આવેલ કાર્યવાહીની સરાહના પણ કરી છે.
સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની મહિલા સભ્યો, મહિલાસરપંચો, નવ શક્તિ મહિલા સંગઠનના પદાધિકારીઓ સાથે અન્ય મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.