અતુલ બ્રિજ પાસે રોડ ક્રોસ કરતા બે યુવાન અને સરોધીમાં ટ્રક-સ્કોર્પિયોના અકસ્માતમાં એકનું મોત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: રવિવારની રાતે વલસાડ હાઈવે યમદૂત બન્યો હતો. બે જુદા જુદા અકસ્માતમાં ત્રણ ઈસમોના મોત થતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રથમ અકસ્માત અતુલ પુલ પાસે સર્જાયો હતો. ભરૂચથી વાપી ટેમ્પો ટ્રાવેલ્સ લઈને વાપી આવેલ 12 મિત્રોનો ટેમ્પો નં.જીજે 16 એબી 5863નું ટાયર અચાનક ફાટી જતા અતુલમાં ટેમ્પો સાઈડ પર પાર્ક કર્યો હતો. ટેમ્પામાં બેઠેલા મયુર ગીરીશ બુચ અને મહાવિર સિંહ ચાવડા પાસે આવેલ ટાયરની દુકાનમાં ટાયરની તપાસ કરવા રોડ ક્રોસ કરી રહેલ ત્યારે વાપી તરફથી આવી રહેલ કાર નં.જીજે 21 એએ ના ચાલકે બન્ને યુવાન સાથે કાર ભટકાવી દીધી હતી. સારવાર માટે બન્નેને પારડી ખસેડાયેલા પણ ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કરેલા.
જ્યારે બીજો બનાવ વાપીથી સુરત તરફ જઈ રહેલ સ્કોર્પિયો કાર નં.યુપી 15 ડીવાય 4912માં સવાર વિજય મોદી, રાકેશ મોદી અને સનમ રાણા સવાર હતા ત્યારે સરોધી પાસે એક ટ્રક ચાલકે સ્કોર્પિયોને ઠોકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં વિજય મોદીનું ઘટના સ્થળે મોતથયું હતું. રવિવારે સાંજે રૂરલ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પ્રથમ અતુલના બનાવમાં કાર ચાલક હાર્દિક કિશોર પ્રજાપતિની સામે ટેમ્પો ટ્રાવેલ માલિકએ ફરિયાદ નોંધાવી હતી.