જમીન સાથે જોડાયેલા નેતા એવા સાંસદ વિનોદ સોનકરને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રભારીની કમાન સોંપાતા હવે છેવાડેના કાર્યકર્તાઓનો પક્ષમાં અવાજ સંભળાવાની સંભાવના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી તરીકે સાંસદ શ્રી વિનોદ કુમાર સોનકરની નિયુક્તિ કરી છે અને હાલના પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકરને રાજસ્થાનના સહ પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રદેશ પ્રભારીઓની કરાયેલી નિયુક્તિમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી બનેલા ઉત્તર પ્રદેશની કૌશામ્બી લોકસભા બેઠકના સાંસદ શ્રી વિનોદ સોનકર ભાજપના જમીનથી જોડાયેલા નેતા છે અને દરેક કાર્યકર્તાઓને સાથે રાખવાની તેમની આગવી શૈલી હોવાનું જાણવા મળે છે. તેઓ 2017થી 2020 સુધી અનુસૂચિત જાતિ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ રહ્યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારીતરીકે શ્રી વિનોદ સોનકરની કરાયેલી નિયુક્તિથી દાદરા નગર હવેલીના છેવાડેના આદિવાસી સમુદાયને ભાજપ સાથે જોડવાની તેઓ તક ઝડપશે એવું માનવામાં આવી રહ્યું છે.